સ્પોર્ટસ

પત્રકારે કૅપ્ટનને ફટ દઈને પૂછી લીધું, `તમે કૅપ્ટન્સી છોડશો કે ક્રિકેટ બોર્ડ તમને હટાવે?’

મુલતાનઃ અહીં સોમવારે એક તરફ વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટ માટે નવા ઇતિહાસનો દિવસ હતો ત્યાં બીજી બાજુ પાકિસ્તાનના સુકાની શાન મસૂદ માટે હતાશાનો સમય હતો અને એમાં કૅરિબિયન ટીમ સામેના શૉકિંગ પરાજય પછીની પત્રકાર પરિષદમાં એક પત્રકારે જે સવાલ પૂછ્યો એનાથી તે ખૂબ ગુસ્સામાં હતો.

વેસ્ટ ઇન્ડિઝે એ દિવસે સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ 120 રનથી જીતીને સિરીઝ 1-1ની બરાબરી સાથે પૂરી કરી હતી. ખરેખર તો વેસ્ટ ઇન્ડિઝ માટે એ ઉત્સવનો દિવસ હતો, કારણકે છેક 34 વર્ષે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ જીતી હોવાનો બનાવ બન્યો હતો. એ પહેલાં, છેક 1990માં ડેસ્મંડ હેઇન્સના સુકાનમાં કૅરિબિયનોએ ઇમરાન ખાનની ટીમને ટેસ્ટમાં પરાજિત કરી હતી. એ કૅરિબિયન ટીમમાં માલ્કમ માર્શલ, બિશન, વૉલ્શ, હૂપર, ઍમ્બ્રોઝ, ગ્રિનીજ, રિચી રિચર્ડસન, લૉગી, ડુજોં જેવા ખ્યાતનામ ખેલાડીઓ સામેલ હતા. ત્યારની જીત બાદ ક્યારેય પણ પાકિસ્તાનમાં કૅરિબિયનોએ ટેસ્ટની જીત નહોતી માણી.

Also read : અરે ઓ સાંભા…કિતને આદમી યહાં વૉલીબૉલ ખેલ રહે હૈ?

સોમવારે પાકિસ્તાનનો દાવ 254 રનના લક્ષ્યાંક સામે 133 રનમાં સમેટાઈ ગયો હતો. જૉમેલ વૉરિકૅન નામના લેફ્ટ-આર્મ સ્પિનરે સૌથી વધુ પાંચ વિકેટ તેમ જ કેવિન સિન્કલેરે ત્રણ અને ગુડાકેશ મૉટીએ બે વિકેટ લીધી હતી.

મૅચ પછીની પત્રકાર પરિષદમાં શાન મસૂદ વીલા મોઢે આવ્યો હતો. એવામાં એક પત્રકારે તેને સીધું પૂછી લીધું કે તમે જાતે જ પાકિસ્તાનની ટીમનું સુકાન છોડી દેવાનું પસંદ કરશો કે પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તમને કૅપ્ટન્સીમાંથી હટાવે?’ આ સવાલ સાંભળીને પરિષદમાં હાજર બધા ચોંકી ગયા હતા. શાન મસૂદે શરૂઆતમાં તો આ સવાલ અવગણ્યો હતો, પણ પછી જડબાતોડ જવાબ દેવાની મનમાં ગાંઠ વાળી લીધી હોય એમ તેણે પછીના સવાલનો જવાબ બાજુ પર રાખીને પેલા પત્રકાર સામે જોઈને કહ્યું,તમે જો સત્યને વળગીને વાત કરવા માગશો તો મારી તૈયારી છે, પરંતુ તમારી પાસે જે જાણકારીઓ છે એ અપૂરતી છે. હા, તમે પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકો એની ના નહીં, પણ તમારો સવાલ માનભંગ કરનારો છે.

તમે ખેલાડીઓનું કે મારું કે અન્યોનું આ રીતે અપમાન ન કરી શકો. અમે બધા પાકિસ્તાન માટે જ રમતા હોઈએ છીએ અને સારું પરિણામ લાવવા પૂરતી કોશિશ કરતા હોઈએ છીએ. જોકે આવું અપમાન તો કોઈ ન સહન કરે. તમારે એ સમજવું જોઈએ. તમે કોઈને નીચા દેખાડવા માગો એ ઠીક છે, પરંતુ યાદ રાખો કે અમે બધા પાકિસ્તાનની નૅશનલ ટીમના ખેલાડીઓ છીએ. પાકિસ્તાન બોર્ડ નિર્ણય લેનારી સંસ્થા છે અને ખેલાડીઓએ હંમેશાં બોર્ડના નિર્ણયનું માન રાખ્યું છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button