વિશ્વના ટોચના ક્રિકેટરોમાં ગણાતા આ ખેલાડી પર હત્યાનો આરોપ!
ઢાકા: ટેસ્ટના તથા ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ અને વન-ડેના વર્લ્ડ નંબર-થ્રી ઑલરાલઉન્ડર બાંગ્લાદેશના શાકિબ-અલ-હસનનો મોહમ્મદ રુબેલ નામના શખસની હત્યામાં હાથ હોવાનો આરોપ મૂકાતાં માત્ર બાંગ્લાદેશ ક્રિકેટમાં જ નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે.
ગારમેન્ટના વેપારી રુબેલનું સાતમી ઑગસ્ટે મૃત્યુ થયું હતું અને તેની હત્યા માટે કુલ 156 જણને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે અને એમાં શાકિબનું પણ નામ છે.
રુબેલનું મૃત્યુ વિદ્યાર્થીઓની ભેદભાવ વિરોધી ચળવળ દરમ્યાન થયું હતું. રુબેલને આંદોલન દરમ્યાન માથામાં પિસ્તોલની બુલેટ વાગી હતી.
માત્ર શાકિબને જ નહીં, પણ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પણ જવાબદાર ગણાવાયા છે. રુબેલના પિતાએ કુલ 400-500 જણને આરોપી ગણાવ્યા છે.
આ ચળવળ સરકારી નોકરીઓમાં ક્વોટામાં સુધારો કરવાની માગણી સંબંધિત હતી અને વિદ્યાર્થીઓની એ રૅલીમાં રુબેલે પણ ભાગ લીધો હતો. ચળવળ દરમ્યાન કેટલાક હુમલાખોરોએ રુબેલ પર અટૅક કર્યો હતો જેમાં બે ગોળી રુબેલની છાતીમાં ઘૂસી ગઈ હતી.
શાકિબ અલ હસન હાલમાં રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં રમી રહ્યો છે. એફઆઇઆરમાં શકિબને 28મા નંબરના આરોપી તરીકે ગણાવાયો છે.
શાકિબ બાંગ્લાદેશની અવામી લીગ પાર્ટીનો મગુરા-ટૂ નામના મતવિસ્તારનો સાંસદ હતો. આ પાર્ટીનાં પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના દેશ છોડીને ભાગી ગયાં ત્યાર પછી શાકિબ પણ સ્વદેશ પાછો નથી આવ્યો.