પીઢ બાંગ્લાદેશી ક્રિકેટરના જૂથે શૅરના ભાવની કૃત્રિમ વધઘટથી 182 કરોડ રૂપિયા બનાવ્યા? આક્ષેપ બાદ કેસ નોંધાવાયો

ઢાકાઃ બાંગ્લાદેશ વતી 2006થી 2024 સુધીના 18 વર્ષ દરમ્યાન 450 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચ રમવા ઉપરાંત કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની આઇપીએલની બે ટીમ સહિત લીગ ટૂર્નામેન્ટોની કુલ 21 ટીમ વતી રમી ચૂકેલા ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન (Shakib Al Hasan) તથા તેના કેટલાક સાથીઓએ અમુક ખાસ કંપનીઓના શૅર (share)ના ભાવમાં કૃત્રિમ વધારો (artificial increase) કરાવ્યો હોવાના કથિત ગુના બદલ દેશના ઍન્ટિ કરપ્શન કમિશન (એસીસી)એ શાકિબ તેમ જ બીજા 14 જણ વિરુદ્ધ અદાલતમાં કેસ નોંધાવ્યો છે.
શાકિબ અને 14 જણે શૅરના ભાવમાં કથિત ગોલમાલ (manipulation) કરાવી એ ઉપરાંત મની લૉન્ડરિંગમાં (કાળા નાણાંને સફેદ કરવાની ગેરરીતિમાં) પણ તેમની સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાકિબ અને તેની સાથે કથિત રીતે સંકળાયેલી વ્યક્તિઓએ ગેરકાયદેસર શૅર ટ્રૅડિંગ દ્વારા 2.57 અબજ બાંગ્લાદેશી ટાકા (અંદાજે 182 કરોડ રૂપિયા) બનાવ્યા હોવાનું મનાય છે.
આપણ વાંચો: આઇપીએલ-2025માં પહેલી વાર બાંગ્લાદેશી ક્રિકેટરઃ જાણો, કઈ ટીમે કોને મેળવ્યો…
38 વર્ષના શાકિબને ઢાકાની અદાલતે શૅરના વિવાદાસ્પદ સોદાને લગતા કેસને ધ્યાનમાં લઈને દેશ છોડી જવાની મનાઈ કરી છે.
શાકિબ તથા અન્ય 14 જણે શૅરના ગેરકાનૂની વેપારમાં પસંદગીના શૅરના ભાવ કૃત્રિમ રીતે ઊંચકાવ્યા બાદ એ શૅર વેચી નાખ્યા હોવાનું મનાય છે. આ રીતે તેઓ ગેરકાયદેસર રીતે મસમોટો નફો કમાયા હોવાની ચર્ચા છે.
આપણ વાંચો: બાંગ્લાદેશી બોલરને હજી એનઓસી નથી મળ્યું, ભારત કદાચ ન પણ આવે
એસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ શાકિબ અને બીજા 14 જણ દ્વારા જે શૅરના ભાવ કૃત્રિમ રીતે ઊંચા લઈ જવામાં ભૂમિકા ભજવી હતી એમાં પૅરામાઉન્ટ ઇન્શ્યૉરન્સ, ક્રિસ્ટલ ઇન્શ્યૉરન્સ તથા સોનાલી પૅપરનો સમાવેશ છે. આ યાદીમાં એવું પણ જણાવાયું હતું કે શાકિબના પાર્ટનર અબુલ ખાયરના બૅન્ક અકાઉન્ટ્સમાંથી અબજો ટાકા (કરોડો રૂપિયા)ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
એક તરફ શાકિબને અદાલતે બાંગ્લાદેશ છોડી જવાની મનાઈ કરી છે ત્યાં બીજી બાજુ તેની ટી-20 લીગની કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે. બે મહિના પહેલાં તે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં લાહોર કલંદર્સ વતી રમ્યો હતો. તે થોડા અઠવાડિયાઓથી બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમની બહાર છે.
શાકિબ થોડા મહિનાઓથી દેશના રાજકારણમાં પણ વિવાદમાં છે. 2024માં તે અવામી લીગ પાર્ટી વતી ચૂંટણી લડ્યો હતો અને સંસદસભ્ય બન્યો હતો. જોકે થોડા મહિના પહેલાં દેશમાં થયેલી રાજકીય ક્રાંતિમાં શેખ હસીનાની અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એટલે સંસદમાં શાકિબનું સભ્યપદ પણ જતું રહ્યું હતું.