ભારતના મુદ્દે વિફરેલા શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન બોર્ડને કહ્યું કે…
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર તેના જમાઈ શાહીન આફ્રિદીની તરફેણમાં પણ બોલ્યો
કરાચીઃ 2025 ના વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાનારી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની મડાગાંઠ ઉકેલાતી નથી અને પાકિસ્તાનને બાદ કરતા બધો પ્રવાહ ભારતની સગવડ માટેના હાઇબ્રિડ મૉડેલ તરફ જઈ રહ્યો છે એ જોઈને ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટન શાહિદ આફ્રિદી ગુસ્સે થઈ ગયો છે અને તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને સલાહ આપી છે કે ભવિષ્યમાં તમે પણ ભારતમાં યોજાનારી કોઈ પણ ક્રિકેટ ઇવેન્ટમાં રમવા માટે આપણી રાષ્ટ્રીય ટીમને ભારત નહીં મોકલતા.’
આ પણ વાંચો : 14 માંથી 10 ગેમ પૂરી, ગુકેશ-લિરેન હજી પણ સરખેસરખા…
આફ્રિદી કરાચી આર્ટ્સ કાઉન્સિલમાં ઉર્દૂ પરિષદને સંબોધી રહ્યો હતો. તેણે ભારપૂર્વક કહ્યું હતું કેહવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ભારત સાથેના ક્રિકેટ-સંબંધો બાબતમાં કડક વલણ અપનાવવાની જરૂર છે. નક્કર નિર્ણયો લેવાની બાબતમાં પાકિસ્તાને સ્વાવલંબી થવાની પણ જરૂર છે. બીજા કોઈના પર આધાર રાખવાની જરૂર નથી. ખાસ કરીને ચૅમ્પિયન્સ ટ્રોફી જેવી આઇસીસી ઇવેન્ટમાં ભાગ લેવાની બાબતમાં તો નહીં જ. આપણે આપણા સિદ્ધાંતોને આધારે નિર્ણય લેવા જોઈએ.
આફ્રિદી આ કૉન્ફરન્સમાં એવું પણ બોલ્યો કે ભારત જો પોતાની ટીમને પાકિસ્તાન ન મોકલે તો આપણે પણ તેમને ત્યાં ટીમ મોકલવાની કોઈ જરૂર નથી. આઇસીસીએ હવે નક્કી કરી લેવું જોઈએ કે પોતાની ટૂર્નામેન્ટમાં દરેક મેમ્બર-રાષ્ટ્રની ટીમ રમવી જોઈએ એ જરૂરી છે કે પછી આઇસીસીને માત્ર પૈસા બનાવવામાં જ રસ છે.’ આઇસીસીના ટોચના એક સૂત્રના જણાવ્યા મુજબ ચૅમ્પિયન્સ ટ્રોફીમાંની ભારતની મૅચો દુબઈમાં રાખવી એ બાબતમાં આઇસીસીમાં સર્વાનુમતે નિર્ણય લગભગ લેવાઈ ચૂક્યો છે અને આ ગોઠવણ 2027ની સાલ સુધી રહેશે.
આ પણ વાંચો : આ ફાસ્ટ બોલરની ક્રિકેટ-કિટ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ, તે ક્યારથી રમશે એ પણ લગભગ નક્કી છે
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો જમાઈ છે. તેની વાત પર શાહિદ આફ્રિદીએ પહેલાં તો કહ્યું કેપાકિસ્તાન ક્રિકેટની સૌથી મોટી સમસ્યા એ છે કે (પીસીબીના) નવા ચૅરમૅન આવે એટલે નીતિ-નિયમો બદલાઈ જાય. જ્યારે શાહીન આફ્રિદીને પાકિસ્તાનની ટી-20 ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે હું એ નિર્ણયની વિરુદ્ધમાં હતો અને મેં કહેલું કે મોહમ્મદ રિઝવાનને સુકાન સોંપવું જોઈએ. જોકે શાહીનને નેતૃત્વની જવાબદારી સોંપી જ દીધી તો પછી તેને માત્ર એક સિરીઝ બાદ સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો એ પીસીબીનું પગલું ઠીક નહોતું. એનાથી તેના પર્ફોર્મન્સને વિપરીત અસર થઈ હતી.’