‘વિરાટને પાકિસ્તાનમાં ભારત કરતા વધુ પ્રેમ મળશે…’ પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીનું નિવેદન
લાહોર: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025(ICC champions trophy)નું આયોજન પાકિસ્તાન(Pakistan)માં કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર BCCI ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team)ને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી. શાહિદ આફ્રિદી(Shahid Afridi) જેવા પાકિસ્તાનના ઘણા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા BCCI અને ભારત સરકારને અપીલ કરી છે. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનમાં ભારતીય ટીમ અને ક્રિકેટરોનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની ખાતરી પણ આપી છે.
શાહિદ આફ્રિદીએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમે પાકિસ્તાન આવવું જોઈએ, હું તેમનું સ્વાગત કરીશ. અમે જ્યારે પણ ભારત ગયા ત્યારે અમને ત્યાં ખૂબ માન અને પ્રેમ મળ્યો. એ જ રીતે અગાઉ જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનમાં આવી ત્યારે તેને અહીં પણ સમાન સન્માન અને પ્રેમ મળ્યો છે. ક્રિકેટને રાજકારણથી અલગ રાખવું જોઈએ.’
પાકિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર આફ્રિદીએ કહ્યું કે, ‘જ્યારે વિરાટ કોહલી પાકિસ્તાન આવશે, ત્યારે તેને ભારતમાં જે પ્રેમ મળ્યો છે તે ભૂલી જશે. પાકિસ્તાનમાં વિરાટનો ઘણો ક્રેઝ છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. તે મારો પ્રિય ક્રિકેટર છે. તેનો પોતાનો એક ચાહક વર્ગ છે અને તેણે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી ન જોઈએ કારણ કે તેની હાજરીથી T20 ફોર્મેટ વધુ સુંદર બને છે.’
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2008 બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી. ગયા વર્ષે જ્યારે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો ત્યારે ભારતની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ પર રમાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માંગે છે. જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICC આ મોડલ સ્વીકારવા તૈયાર થશે તો, તમામ ટીમો પાકિસ્તાન જશે અને ત્યાં જ પોતાની મેચ રમશે પરંતુ ભારત તેની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં રમી શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે.