સ્પોર્ટસ

પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની હત્યાની અફવાઃ વાઇરલ વીડિયોનું સત્ય જાણી લો…

કરાચીઃ એક તરફ નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા ટી-20ના એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર થઈ અને બીજી બાજુ આ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi)ની હત્યા થઈ છે એવી અફવાએ પાકિસ્તાનભરમાં ચકચાર મચાવી દીધી. જોકે આ અફવા સંબંધિત વાઇરલ થયેલા વીડિયો (Video) સામે હકીકત પણ વાઇરલ કરી દેવામાં આવતાં મામલો શાંત પડી ગયો છે.

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં ચોંકાવનારા દાવા સાથે કહેવામાં આવ્યું હતું કે શાહીન શાહ આફ્રિદી પર સાત ગોળી (bullets) છોડીને તેની હત્યા કરવામાં આવી છે અને પાકિસ્તાનના ક્રાઇમ ક્ન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CCD)એ આફ્રિદીના હત્યારાઓને પકડી લીધા છે.

પાકિસ્તાનમાં આ વીડિયોએ ઘણી વાર સુધી બધાને ચોંકાવી દીધા હતા અને ચિંતામાં મૂકી દીધા હતા. આ વીડિયોમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ પણ બતાવવામાં આવી હતી. એટલું જ નહીં, આફ્રિદીના સાથી ફાસ્ટ બોલર નસીમ શાહને રડી રહેલો પણ બતાવવામાં આવ્યો હતો. જોકે ઘણા લોકો એ પણ જાણતા હતા કે સોશ્યલ મીડિયાના આજના જમાનામાં દરેક વીડિયો ભરોસાપાત્ર નથી હોતો એટલે એનું ફૅક્ટ-ચેક થશે જ એવી આ લોકોને ખાતરી હતી અને એવું જ બન્યું.

આપણ વાંચો: અસ્સલ ધોની જેવો દેખાતો તેનો હમશકલ ભાવુક થઈ ગયો અને બોલ્યો…

વાસ્તવમાં આ વીડિયો એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)થી તૈયાર કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણપણે બનાવટી હતો. શાહીન આફ્રિદી પૂર્ણપણે સ્વસ્થ છે અને એશિયા કપ માટેની પ્રૅક્ટિસ શરૂ કરતાં પહેલાં પોતાને માનસિક રીતે દૃઢ કરવામાં વ્યસ્ત છે.

પચીસ વર્ષનો શાહીન આફ્રિદી ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો જમાઈ છે. શાહીન આફ્રિદીએ અત્યાર સુધીમાં 31 ટેસ્ટમાં 116 વિકેટ, 66 વન-ડેમાં 131 વિકેટ અને 81 ટી-20માં 104 વિકેટ લીધી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button