
નવી દિલ્હી: મહિલા ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકવાનો રેકૉર્ડ સાઉથ આફ્રિકાની શબનીમ ઇસ્માઇલના નામે છે. 2016માં તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે કલાકે 128 કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો અને તેનો એ વિશ્ર્વવિક્રમ હજી પણ કાયમ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં તે મુંબઈ ઇન્ડિયન્સ વતી રમે છે અને એમાં તેણે આ વખતની સીઝનની પહેલી જ મૅચમાં 128.3 કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો. જોકે હવે તો તેણે કમાલ જ કરી નાખી. મંગળવારે તેણે 132.1 કિલોમીટરની સ્પીડે બૉલ ફેંક્યો જે સમગ્ર વિમેન્સ ક્રિકેટમાં નવો કીર્તિમાન બની ગયો. મહિલા ક્રિકેટમાં કલાકે 130 કિલોમીટરની સ્પીડે પહેલી વાર બૉલ ફેંકયો છે.
35 વર્ષની શબનીમ 241 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકી છે અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ હતી. જોકે તે વિશ્ર્વભરની ટી-20 લીગ ટૂર્નામેન્ટોમાં રમે છે. મંગળવારે તે ઈજામુક્ત થઈને પાછી રમવા આવી હતી. મુંબઈ ઇન્ડિયન્સની પહેલી મૅચ રમ્યા પછી બે મૅચ નહોતી રમી શકી અને તેણે પૂરો આરામ કર્યો હતો અને મંગળવારે દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે ફિટ થઈને પાછી મેદાન પર ઊતરી ત્યારે તે કંઈક નવું કરશે એવી કેટલીક હરીફ ખેલાડીઓને શંકા હશે જ. તે માત્ર શેફાલી વર્માની વિકેટ લઈ શકી, પણ એ પહેલાં એક બૉલ તેણે એવો ફેંક્યો જેને કારણે રેકૉર્ડ-બુકમાં આવી ગઈ.
મૅચ હજી તો શરૂ થઈ હતી. ત્રીજી ઓવર શબનીમે કરી હતી જેનો બીજો બૉલ તેણે દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન મેગ લેનિંગને ફેંક્યો હતો. લેનિંગ એમાં શૉટ ન ફટકારી શકી અને બૉલ તેના ફ્રન્ટ પૅડને વાગ્યો હતો. હરમનપ્રીત કૌરની મુંબઈની ટીમે એલબીડબ્લ્યૂની અપીલ કરી હતી જેમાં લેનિંગને અમ્પાયરે નૉટઆઉટ જાહેર કરી હતી.
ઇનિંગ્સ પછી શબનીમને પૂછવામાં આવ્યું કે ‘શું તને ખબર છે, તેં મહિલા ક્રિકેટનો ફાસ્ટેસ્ટ બૉલ ફેંક્યો છે?’ શબનીમે ના પાડતાં કહ્યું, ‘હું બોલિંગ કરું ત્યારે બિગ સ્ક્રીન સામે ક્યારેય જોતી જ નથી.’ શબનીમ મંગળવારે હજી તેના બેસ્ટ ફૉર્મમાં નહોતી. જો 100 ટકા ફિટનેસ સાથે રમી હોત તો કદાચ 132.1 કિલોમીટરથી પણ વધુ ઝડપે તેણે બૉલ ફેંક્યો હોત.