આરસીબીના ફાસ્ટ બોલર વિરુદ્ધ મહિલાનો જાતીય સતામણીનો આક્ષેપ…

લખનઊઃ આઇપીએલની નવી ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) તેમ જ ગુજરાત ટાઇટન્સ વતી રમી ચૂકેલા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ (YASH DAYAL) વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં એક મહિલાએ જાતીય સતામણીનો તેમ જ માનસિક અને શારીરિક હુમલાનો આક્ષેપ કર્યો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું.
1997માં અલાહાબાદમાં જન્મેલો યશ દયાલ 27 વર્ષનો છે. તેણે 27 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 84 વિકેટ લીધી છે. યશ દયાલ વિરુદ્ધનો મામલો (SEXUAL harassment) ગંભીર બની ગયો છે જેનું મુખ્ય કારણ એ છે કે તેની વિરુદ્ધ સત્તાવાર રીતે એફઆઇઆર (FIR) નોંધવામાં આવી છે. એ ઉપરાંત, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાર્યાલયને સત્તાવાર ફરિયાદ મોકલવામાં આવી છે. સ્થાનિક સ્તરે આજીજી અવગણવામાં આવતાં તેણે (મહિલાએ) સત્તાવાળાઓનો સંપર્ક કર્યો છે.
એફઆઇઆરમાં જણાવાયું છે કે તે અને યશ દયાલ પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા અને એ સમયગાળા દરમ્યાન તે તેના પરિવારને પણ મળી હતી. મહિલાએ આક્ષેપમાં જણાવ્યું છે કે યશ દયાલે રિલેશિપશિપ (RELATIONSHIP) દરમ્યાન તેનું માનસિક, શારીરિક અને આર્થિક રીતે શોષણ કર્યું હતું. જોકે જ્યારે મહિલાને દયાલની ખરી દાનતની જાણ થઈ ત્યારે સંબંધો બગડી ગયા હતા અને દયાલે મારપીટ કરી હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે. મહિલાએ ફરિયાદની સાથે પુરાવા તરીકે મોબાઇલ પરના ચૅટ્સ, સ્ક્રીનશૉટ્સ અને વીડિયો કૉલ્સની વિગતો મોકલી છે અને દયાલને કાયદા મુજબ સજા કરવાની માગણી કરી છે.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયા છે કે યશ દયાલની અન્ય કેટલીક સ્ત્રીઓ સાથે પણ રિલેશનશિપ હતી જેને પગલે તેણે દયાલ વિરુદ્ધ કાનૂની પગલું ભરવાનું નક્કી કર્યું હતું. આક્ષેપોને પગલે શરૂઆતમાં યશ દયાલનું કોઈ જ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું.