સ્પોર્ટસ

મુથુસામીએ પાકિસ્તાનમાં અધૂરી રહેલી ઇચ્છા ભારતમાં પૂરી કરી, સેન્ચુરી ફટકારી દીધી

સાઉથ આફ્રિકાના 489 રન સામે ભારતના વિના વિકેટે નવ રન

ગુવાહાટીઃ અહીં ભારત (India) સામેની બીજી ટેસ્ટ (સવારે 9.00 વાગ્યાથી લાઇવ)માં રવિવારના બીજા દિવસે બૅટિંગ-પિચ પર વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાના સ્પિન-ઑલરાઉન્ડર અને ભારતીય મૂળના ખેલાડી સેનુરન મુથુસામી (109 રન, 206 બૉલ, 299 મિનિટ, બે સિક્સર, દસ ફોર) અને પેસ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યેનસેને (93 રન, 91 બૉલ, 147 મિનિટ, સાત સિક્સર, છ ફોર)ની જોડીએ ભારતીય બોલર્સને જેમાં ખાસ કરીને સ્પિનર્સને જાણે સાવ સાધારણ બનાવી દીધા હતા જેને પગલે પ્રવાસી ટીમે પહેલી ઇનિંગ્સમાં 151.1 ઓવરની લાંબી ઇનિંગ્સમાં 489 રનનું તોતિંગ ટોટલ નોંધાવ્યું હતું. રમતના અંત સુધીમાં ભારતે 6.1 ઓવરમાં વિના વિકેટે નવ રન કર્યા હતા. ભારત પ્રથમ દાવમાં કેટલા રન કરશે એના પર મૅચના પરિણામનો આધાર રહેશે.

મુથુસામી (muthusamy) એ એક રીતે પાકિસ્તાનમાં એક મહિના પહેલાં અધૂરી રહેલી ઇચ્છા ભારતમાં પૂરી કરી છે. ગયા મહિને પાકિસ્તાનમાં સાઉથ આફ્રિકાએ જે છેલ્લી ટેસ્ટ જીતીને શ્રેણી 1-1થી સમકક્ષ કરી એ ટેસ્ટના બીજા 215 મિનિટ સુધી ક્રીઝમાં રહીને અણનમ 89 રન કર્યા હતા. તે ત્યારે કરીઅરની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો હતો, પણ રવિવારે ભારત સામે તેણે એ ઇચ્છા પૂરી કરી હતી. તેની વિકેટ સિરાજે લીધી હતી.

આ પણ વાંચો : ગુવાહાટી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા 489 રનમાં ઓલ આઉટ, મુથુસામી-યાનસેને ભારતીય બોલર્સને હંફાવ્યા

ચાઇનામૅન તરીકે ઓળખાતા લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવે કહ્યું એમ ગુવાહાટીની પિચ રોડ જેવી (સપાટ) છે અને એના પર મુથુસામીએ વિકેટકીપર કાઇલ વેરાઇન (45 રન) સાથે 88 રનની અને યેનસેન સાથે 97 રનની ભાગીદારી કરી હતી.

કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ તથા બુમરાહ, સિરાજ, જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. નીતીશ અને વૉશિંગ્ટનને વિકેટ નહોતી મળી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button