બીસીસીઆઇની મીટિંગમાં સનસનાટીભર્યા ખુલાસા, ક્રિકેટરો માટે બનાવાયા સખત નિયમો
મુંબઈઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમનો 1-3થી રકાસ થયો એને પગલે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ સખ્તાઈભર્યો અભિગમ અપનાવ્યો છે. ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ વિશેના અવલોકનને લગતી બેઠકમાં કેટલાક સખત નિયમો લાગુ કરવા પર વિચાર કરાયો હોવાનું મનાય છે. એટલું જ નહીં, ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ કેમ સારું નથી રમી શકતા એ વિશે પણ સનસનાટીભર્યો ખુલાસો કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
ક્રિકેટ બોર્ડ એક મહત્ત્વના સંભવિત નિર્ણય પર વિચાર કરી રહ્યું છે જેમાં જો ભારતીય ટીમની વિદેશી ટૂર 45 કે એનાથી વધુ દિવસની હશે તો ખેલાડીઓ પત્નીઓને કે પરિવારના સભ્યોને વધુમાં વધુ બે અઠવાડિયા પોતાની સાથે રાખી શકશે. જો એ ટૂર 45 દિવસથી ઓછા સમયની હશે તો પત્ની કે ફૅમિલી મેમ્બર્સને એક અઠવાડિયું એ પ્રવાસમાં સાથે રાખી શકશે.
આ પણ વાંચો: બીસીસીઆઇમાં જય શાહના અનુગામી બની ગયા આસામના સૈકિયા…
બીજું, ભારતીય ખેલાડીઓ વિદેશી પ્રવાસ દરમ્યાન માત્ર ટીમની બસમાં જ પ્રવાસ કરી શકશે. મોટા ભાગના ખેલાડીઓ આ નિયમ પાળતા હોય છે, પણ ક્યારેક ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ અન્ય વાહનોમાં પ્રવાસ કરતા હોય છે જે હવે નહીં ચાલે. તેમણે ટીમની બસમાં જ મુસાફરી કરવી પડશે.
ઑસ્ટ્રેલિયામાં ભારત પર્થની પ્રથમ ટેસ્ટ જીત્યું, પણ ત્યાર બાદ ત્રણ ટેસ્ટ હારી જતાં કાંગારૂઓનો 3-1થી વિજય થયો હતો. આ નિરાશાજનક પ્રવાસ સંબંધમાં બીસીસીઆઇની રિવ્યૂ મીટિંગમાં વિગતવાર ચર્ચા થઈ હતી. એક જાણીતા હિન્દી દૈનિકના અહેવાલ મુજબ બોર્ડના એક મેમ્બરે જણાવ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મોટા કૉન્ટ્રૅક્ટને કારણે ખેલાડીઓ ટેસ્ટમાં પૂરું જોર લગાવીને, પૂરી તીવ્રતાથી નથી રમતા હોતા.
આ પણ વાંચો: રોહિત-વિરાટ ઉપરાંત હેડ-કોચ ગૌતમ પર પણ બીસીસીઆઇમાં ગંભીર ચર્ચા થઈ શકે
આ ઉપરાંત, બીસીસીઆઇની મીટિંગમાં ફેબ્રુઆરીની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની ઘોષણા વિશે પણ ચર્ચા થઈ હતી. બોર્ડના એક મેમ્બરના જણાવ્યા મુજબ આ ટીમની જાહેરાત 17 કે 18મી જાન્યુઆરીએ કરવામાં આવશે.
રિવ્યૂ મીટિંગમાં કૅપ્ટન રોહિત શર્મા, સિલેક્શન કમિટીના ચૅરમૅન અજિત આગરકર તેમ જ ટીમ-મૅનેજમેન્ટના મેમ્બર્સે હાજરી આપી હતી.
ભારતનો હવે પછીનો વિદેશ પ્રવાસ જૂનમાં છે. ત્યારે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે જશે.