એશિયા કપ માટે સિલેક્શનની તૈયારી: પસંદગીકારો પાસે વિકલ્પોની લાંબી ફોજ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એશિયા કપ માટે સિલેક્શનની તૈયારી: પસંદગીકારો પાસે વિકલ્પોની લાંબી ફોજ

મુંબઈ: નવમી સપ્ટેમ્બરે યુએઈમાં શરૂ થનારા આઠ દેશ વચ્ચેના ટી-20 એશિયા કપ (Asia Cup) માટે ભારતીય ટીમ નક્કી કરવાને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સિલેક્ટરો (Selectors) પાસે વિકલ્પોની લાંબી ફોજ છે. તેઓ અનેક સ્પેશ્યાલિસ્ટ બૅટ્સમેન તથા બોલર તેમ જ ઑલરાઉન્ડરોમાંથી પોતાની પસંદગીની ટીમ નક્કી કરી શકશે. ભારત એશિયા કપનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

મંગળવાર, 19મી ઓગસ્ટે મુંબઈમાં ચીફ સિલેકટર અજિત આગરકર (Ajit Agarkar) અને તેમના સાથી સિલેક્ટરો દ્વારા ટીમ (Team) નક્કી કરવામાં આવશે એવા અહેવાલ વચ્ચે ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે સર્જરી પછીની ફિટનેસ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ટીમના નવા સફળ સુકાની શુભમન ગિલને ટી-20 ટીમમાં કમબૅક કરવાનો મોકો મળશે કે કેમ એ જોવું રહ્યું. નીતીશકુમાર રેડ્ડી ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર છે અને તે ટીમને ઘણો ઉપયોગી થઈ શકે એમ છે, પરંતુ તે હજી પૂરેપૂરો ઈજામુક્ત ન થયો હોવાથી તેને કદાચ સિલેક્ટ નહીં કરવામાં આવે. સિલેક્ટરો તાજેતરની આઈપીએલમાં ચમકી ગયેલા 14 વર્ષના ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી સહિત કોઈને એશિયા કપ માટે સિલેક્ટ કરીને ચોંકાવી દે તો નવાઈ નહીં લાગે.

એશિયા કપમાં ભારતની પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે યુએઈ સામે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લીગ મુકાબલો રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં થશે.

આ એશિયા કપનું મુખ્ય યજમાન ભારત છે, પરંતુ બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેની સમજૂતીને પગલે સ્પર્ધા યુએઈમાં રાખવામાં આવી છે. ભારતના ‘ એ’ ગ્રૂપમાં પાકિસ્તાન ઉપરાંત યુએઈ અને ઓમાન પણ છે. ગ્રૂપ ‘ બી’માં શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગ કોંગ છે.

સિલેક્ટકરો સામે અનેક વિકલ્પો:

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન, બૅટ્સમૅન), અભિષેક શર્મા (ઓપનિંગ બૅટ્સમૅન અને સ્પિનર), સંજુ સૅમસન (વિકેટકીપર-ઓપનિંગ બૅટ્સમૅન), શુભમન ગિલ (બૅટ્સમૅન), યશસ્વી જયસ્વાલ (ઓપનિંગ બૅટ્સમૅન), હાર્દિક પંડ્યા (ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર), અક્ષર પટેલ (સ્પિન ઑલરાઉન્ડર), જિતેશ શર્મા (વિકેટકીપર-બૅટ્સમૅન), શ્રેયસ ઐયર (બૅટ્સમૅન), તિલક વર્મા (બૅટ્સમૅન), વૈભવ સૂર્યવંશી (ઓપનિંગ બૅટ્સમૅન), શશાંક સિંહ (બૅટ્સમૅન), વરુણ ચક્રવર્તી (સ્પિનર), કુલદીપ યાદવ (સ્પિનર), જસપ્રીત બુમરાહ (ફાસ્ટ બોલર), અર્શદીપ સિંહ (ફાસ્ટ બોલર), પ્રસિદ્ધ ક્રિષ્ના (ફાસ્ટ બોલર), હર્ષિત રાણા (ફાસ્ટ બોલર), શિવમ દુબે (ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર), રિન્કુ સિંહ (બૅટ્સમૅન), વોશિંગ્ટન સુંદર (સ્પિન ઑલરાઉન્ડર), રિયાન પરાગ (બૅટ્સમૅન), રમણદીપ સિંહ (ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર), વિપ્રજ નિગમ (સ્પિન ઑલરાઉન્ડર).

આપણ વાંચો:  ઇંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન છતાં આ ખેલાડીઓને એશિયા કપમાં સ્થાન નહીં મળે! આ ખેલાડીઓને મળી શકે તક

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button