Virender Sehwag: વીરેન્દ્ર સેહવાગ માટે આજનો દિવસ ખાસ, પાકિસ્તાનના મુલતાનમાં રચ્યો હતો ઈતિહાસ
આજે 29 માર્ચનો દિવસ ભારતીય ક્રિકેટ અને ખાસ કરીને વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) માટે યાદગાર દિવસ છે. આજથી 20 વર્ષ પહેલા વર્ષ 2004ના માર્ચ મહિનાની 29 તારીખે ભારતીય ટીમના ધુંઆધાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને ‘મુલતાનના સુલતાન’(Multan ka sultan)ની ઉપાધી મળી હતી. સેહવાગે પાકિસ્તાનના મુલતાનના ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે 309 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે વીરેન્દ્ર સેહવાગે ODI સ્ટાઈલમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની પોતાની સ્વાભવથી ક્રિકેટ જગતને વાકેફ કર્યું હતું.
એ સમયે ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ અને પાંચ વનડે મેચની સિરીઝ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસ પર ગઈ હતી. પ્રવાસની શરૂઆત 28 માર્ચથી મુલતાનના મેદાન પર થઈ હતી, જ્યાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી મુલતાન ટેસ્ટ મેચમાં રમી શક્યા ન હતા, તેમની ગેરહાજરીમાં રાહુલ દ્રવિડે કેપ્ટનશીપ સંભાળી હતી.
રાહુલ દ્રવિડે ભારતીય ટીમ માટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેને શાનદાર બેટિંગ કરી હતી. ઓપનીંગ કરવા મેદાન પર આવેલા વીરેન્દ્ર સેહવાગે આકાશ ચોપરા સાથે મળીને 39.4 ઓવરમાં 160 રનની પાર્ટનરશીપ કરી હતી. જો કે આ પાર્ટનરશીપમાં આકાશ ચોપરાનો ફાળો માત્ર 42 રનનો હતો. ચોપરા આઉટ થયા ત્યાં સુધીમાં સેહવાગે તેની સદી પૂરી કરી લીધી હતી. સેહવાગે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરની બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
આકાશ ચોપડા પછી કેપ્ટન રાહુલ દ્રવિડ મેદાન પર આવ્યા પરંતુ તેઓ માત્ર 6 રણ બનાવી પવેલિયન પરત ફર્યા. પરંતુ વીરેન્દ્ર સેહવાગનો ઇરાદો કંઇક અલગ જ હતો અને તેણે પોતાના અંદાજમાં બેટિંગ ચાલુ રાખી. રાહુલ દ્રવિડના આઉટ થયા બાદ સેહવાગને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સાથ મળ્યો. ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંત સુધીમાં ભારતે 2 વિકેટે 356 રન બનાવી લીધા હતા. જેમાંથી 228 રન એકલા સેહવાગના હતા.
હવે મેચના બીજા દિવસે એટલે કે 29મી માર્ચના રોજ વીરેન્દ્ર સેહવાગ ત્રેવડી સદી ફટકારે એવી અપેક્ષા હતી. બીજા દિવસે લંચના થોડા સમય બાદ સેહવાગે પાકિસ્તાની સ્પિનર સકલેન મુશ્તાકના બોલ પર સિકસર ફટકારીને પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી. આ સાથે સેહવાગ ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. સેહવાગે આ અનોખી સિદ્ધિ માત્ર 364 બોલમાં હાંસલ કરી હતી, જેમાં 38 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે.
ત્રેવડી સદી ફટકાર્યાના થોડા સમય બાદ જ સેહવાગ આઉટ થઇ ગયો. સહેવાગે 309 રનની શાનદાર ઇનિંગ રમી ઈતિહાસમાં નામ નોંધાવ્યું હતું. સેહવાગ અને સચિન વચ્ચે ત્રીજી વિકેટ માટે 336 રનની ભાગીદારી થઈ હતી. સેહવાગના આઉટ થયા બાદ સચિને મોરચો સંભાળ્યો, તેમણે યુવરાજ સિંહ સાથે 100રનની ભાગીદારી કરી અને ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી.
ભારતીય ટીમે પાંચ વિકેટે 675 રનના સ્કોર પર ઇનિંગ ડિક્લેર ડિકલેર કરી. જો કે, કેપ્ટન રાહુલ દ્રવિડના ઇનિંગ્સ ડિક્લેર કરવાના નિર્ણય પર ઘણા સવાલો ઉઠ્યા હતા, કારણ કે તે સમયે સચિન 194 રનના સ્કોર પર અણનમ હતો. ભારતીય ટીમ તે મેચ એક ઇનિંગ્સ અને 52 રને જીતવામાં સફળ રહી હતી. સેહવાગને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ તેમને ‘મુલતાનના સુલતાન’ની ઉપાધી મળી હતી.
ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન વિરૂદ્ધ સેહવાગનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. સેહવાગે પાકિસ્તાન સામે 9 ટેસ્ટ મેચમાં 91.14ની એવરેજથી 1276 રન બનાવ્યા છે. જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે.
સેહવાગે કુલ 104 ટેસ્ટ મેચોમાં 8586 રન બનાવ્યા હતા જેમાં 23 સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં સેહવાગનો સર્વોચ્ચ સ્કોર 319 હતો, જે તેણે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. તે ટીમ ઈન્ડિયાનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે બે ત્રેવડી સદી ફટકારી છે.
ODI કરિયરમાં તો વીરેન્દ્ર સેહવાગે 251 મેચમાં 8283 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 15 સદી અને 38 અડધી સદી ફટકારી હતી. વન ડેમાં સેહવાગનો સર્વોચ્ચ સ્કોર 219 રન રહ્યો હતો.
સેહવાગે 19 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે જેમાં તેના નામે 394 રન છે.