આ માત્ર જીત નથી, જવાબ છેઃ વીરેન્દર સેહવાગ…
અમ્પાયર કેટલબરૉના મતે ઑસ્ટ્રેલિયામાં ભારતની આ ગે્રટેસ્ટ વિક્ટરીઃ સોશિયલ મીડિયામાં ક્રિકેટચાહકો પણ ખુશખુશાલ
પર્થઃ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ અને વૉશિંગ્ટન સુંદર તથા નીતિશ કુમાર રેડ્ડીની બોલર તરીકેની સફળ સહાયક ભૂમિકા બદલ ભારતે ઑસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 295 રનના તોતિંગ તફાવતથી હરાવ્યું એને પગલે સોશિયલ મીડિયામાં ક્રિકેટચાહકોએ આનંદિત મૂડમાં રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી છે.
આ પણ વાંચો : ભારત ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ફરી મોખરે, ફાઇનલથી ત્રણ ડગલાં દૂર
બુમરાહે 42 રનમાં ત્રણ વિકેટ અને સિરાજે 51 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. વૉશિંગ્ટને બે વિકેટ તેમ જ નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ લીધી હતી. આખી મૅચમાં બુમરાહે કુલ આઠ વિકેટ, સિરાજે પાંચ વિકેટ, હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી હતી. નવા ઑલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પ્રથમ દાવમાં આખી ટીમમાં હાઇએસ્ટ 41 રન પણ નોંધાવ્યા હતા.
ભારતની જીત બાદ સોશિયલ મીડિયામાં પ્રશંસાની વર્ષા થઈ હતી. ભૂતપૂર્વ ક્રિકેટરો તેમ જ ભારત-તરફી ક્રિકેટ ફૅન્સ ટીમ ઇન્ડિયાને બિરદાવી રહી છે. વીરેન્દર સેહવાગે તો કૅપ્ટન બુમરાહ તેમ જ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સિરાજ અને નીતિશ રેડ્ડીની તસવીરો મૂકી છે. વીરુદાદાએ લખ્યું છે, આ માત્ર જીત નથી, જવાબ છે. જસપ્રીત બુમરાહે ઑસ્ટ્રેલિયાના બૅટર્સમાં જે ડર પેદા કર્યો એની શું વાત કરું! બુમરાહે ટીમનું શાનદાર નેતૃત્વ કર્યું. સિરાજનો તેને બહુ સારો સપોર્ટ મળ્યો હતો. યશસ્વીએ નવા માપદંડ સ્થાપિત કર્યા છે અને યાદગાર ઇનિંગ્સ રમ્યો.
કિંગ કોહલી પાછો અસલ ફૉર્મમાં આવી ગયો. ટીમ ઇન્ડિયાએ એવી જીત મેળવી છે જે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ.’ ભારતે રોહિત શર્મા તેમ જ શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને મોહમ્મદ શમી વગર આ ટેસ્ટ 295 રનના તોતિંગ તફાવતથી જીતી છે. ભારતનો ઑસ્ટ્રેલિયાની ધરતી પર રનના માર્જિનની દૃષ્ટિએ આ સૌથી મોટો વિજય છે.
ભારતે 2021માં બ્રિસ્બેનના ગૅબામાં ઑસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યા બાદ ભારતે હવે પર્થના નવા ઑપ્ટસ સ્ટેડિયમમાં તેમને અગાઉની નામોશીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. 2008માં ભારતે પર્થમાં, 2008માં જ ઍડિલેઇડમાં વિજય મેળવીને ઑસ્ટ્રેલિયાના ધુરંધરોને તેમની જ ધરતી પર ચૂપ કરી દીધા હતા. અમ્પાયર રિચર્ડ કેટલબરોએ એક્સ પર લખ્યું છે,પ્રથમ દાવમાં ભારત 150 રનમાં ઑલઆઉટ થઈ ગયું અને 295 રનના તોતિંગ લક્ષ્યાંકથી વિજય મેળવ્યો. ઑસ્ટ્રેલિયામાં ભારતની આ ગે્રટેસ્ટ વિક્ટરી છે.’
લોકેશ નામના ક્રિકેટપ્રેમીએ લખ્યું છે, પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ જીતનાર ભારત પ્રથમ દેશ છે. ભારતે પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.’ શ્રુતિ ધોરે નામની ક્રિકેટપ્રેમીએ એક્સ પર લખ્યું છે,ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર 295 રનથી હરાવીને ક્રિકેટજગતમાં ભારતે પોતાની એક પ્રકારની ધાક જમાવી છે.
આ પણ વાંચો : IND vs AUS 1st Test: ટીમ ઇન્ડિયાએ પર્થમાં ઓસ્ટ્રેલીયાને ધૂળ ચટાડી, ઐતિહાસિક જીત મેળવી
ટીમ ઇન્ડિયાને ખૂબ-ખૂબ અભિનંદન.’
આલિયા નામના ક્રિકેટલવરે લખ્યું છે, `પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે એકેય ટીમ જીતવામાં સફળ ન થઈ, પરંતુ ભારતે તેમને ધૂળ ચાટતા કરી દીધા.’