`તારા કોચને કહી દે, મારી નજીક ન આવે’ આવું સેહવાગે દ્રવિડને કેમ કહ્યું હતું?

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતના સૌથી વિસ્ફોટક બૅટ્સમેનોમાં વિવ રિચર્ડ્સની હરોળમાં ગણાતા વીરેન્દર સેહવાગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી એને 12 વર્ષ વીતી ગયા છે, પણ તેના સમયના ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયન હેડ-કોચ ગ્રેગ ચૅપલ સાથેના તેના (વીરુદાદાના) સ્પષ્ટ અને દમદાર અભિગમને સેહવાગ (Sehwag)ના ચાહકો હજી આજે પણ યાદ કરે છે અને એમાંની એક ઘટના બે દિવસથી ચર્ચાસ્પદ થઈ છે જેમાં સેહવાગે ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડ (Dravid)ને ડ્રેસિંગ-રૂમમાં ગ્રેગ ચૅપલ વિશે જે કહ્યું એ મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે.
સેહવાગ 2004ની સાલમાં ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો. એટલું જ નહીં, તે બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. 2009માં શ્રીલંકા સામે તે 293 રન પર આઉટ થઈ ગયો હતો. 104 ટેસ્ટમાં 8586 રન, 251 વન-ડેમાં 8273 રન અને 19 ટી-20માં 394 રન કરનાર સેહવાગે એક પૉડકાસ્ટ (Podcast)માં ગ્રેગ ચૅપલ (Chappell)ના કોચિંગ સમયની રસપ્રદ વાત કરી છે.
આપણ વાંચો: સેહવાગે લખી કવિતા, રોહિતે હૃદયસ્પર્શી તસવીર શૅર કરી અને કોહલીએ ભાવુક પોસ્ટ મૂકી
સેહવાગે પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં આ મુજબની પ્રતિક્રિયા વ્યક્ત કરી છેઃ `ગે્રગ ચૅપલે એક વાર મને જે કહ્યું એનાથી મને ખૂબ આઘાત લાગ્યો હતો. એ તબક્કે હું બહુ રન નહોતો કરી શક્તો ત્યારે ચૅપલે મને કહ્યું કે તું જો પગ મૂવ નહીં કરે તો રન નહીં કરી શકે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પગની મૂવમેન્ટ ખૂબ જરૂરી છે. ચૅપલે મને આવું કહ્યું એટલે મેં તેમને કહી દીધું કે જુઓ, ટેસ્ટ ક્રિકેટમાં મેં 50.00થી પણ વધુ સરેરાશે 6,000-પ્લસ રન કર્યા છે. ચૅપલે મારી આ વાત સાંભળીને કહ્યું, એ બધુ જવા દે, તું જો પગ મૂવ નહીં કરે તો રન નહીં કરી શકે. ત્યારે મારી અને ચૅપલ વચ્ચે ખૂબ દલીલ થઈ હતી અને એ સમયના સુકાની રાહુલ દ્રવિડે અમને છોડાવવા પડ્યા હતા.’
વીરુદાદાએ એ ઘટના સંબંધમાં વધુ જાણકારી આપતા કહ્યું, ` બીજા દિવસે હું જ્યારે બૅટિંગ કરવા જઈ રહ્યો હતો ત્યારે ચૅપલે મને કહ્યું કે રન બનાવજે નહીં તો હું તને ટીમમાંથી કાઢી નાખીશ. ચૅપલ પ્રત્યે મારી પ્રતિક્રિયા ત્યારે કંઈક આવી હતીઃ તમારાથી જે થાય એ કરી લેજો.
આપણ વાંચો: સેહવાગે ઑપરેશન સિંદૂર’ની વાહ-વાહ કરતા કહ્યું,અગર કોઈ આપ પર પત્થર ફેંકે તો…
સેહવાગે પૉડકાસ્ટ પર કહ્યું, વિચાર કરો કે જે બૅટ્સમૅન બૅટિંગ કરવા જઈ રહ્યો હોય ત્યારે કોચ તેને ડ્રૉપ કરવાની ધમકી આપે તો બૅટ્સમૅનના મગજ પર કેવી ખરાબ અસર થાય! જોકે મેં એ ક્ષણો ભૂલીને મારી અસલ સ્ટાઇલમાં રમવાનું નક્કી કરીને ધમાકેદાર બૅટિંગ શરૂ કરી દીધી હતી.
લંચ પહેલાં હું 99 રન પર પહોંચી ગયો હતો. લંચ વખતે હું ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે દ્રવિડ ત્યાં ઊભો હતો. મેં તેને કહ્યું, તારા કોચને કહી દે મારી નજીક પણ ન આવે.
આપણ વાંચો: આ માત્ર જીત નથી, જવાબ છેઃ વીરેન્દર સેહવાગ…
હું ત્યારે બધાની સાથે જમ્યો અને પછી પિચ પર જઈને ફરી ફટકાબાજી શરૂ કરી અને ટી-ટાઇમ પહેલાં હું 184 રનના મારા સ્કોર પર આઉટ થયો હતો. ત્યારે મેં પૅવિલિયનમાં જઈને એક ખૂણામાં ઊભેલા ચૅપલને કહ્યું, હું મારા પગ મૂવ કરું કે ન કરું, રન કેવી રીતે બનાવવા એ હું સારી રીતે જાણું છું.’
સેહવાગે ઇન્ટરવ્યૂમાં આ બધુ કઈ મૅચ વખતે બન્યું એ તો નથી કહ્યું, પણ આ કિસ્સો 2006ની સાલનો હતો. ગ્રૉસ આઇલેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી એ ટેસ્ટના એક દાવમાં સેહવાગે 190 બૉલમાં બે સિક્સર અને 20 ફોરની મદદથી 180 રન કર્યા હતા.
એ જ મૅચમાં દ્રવિડના 140 રન તથા મોહમ્મદ કૈફના 148 રનની મદદથી ભારતે આઠ વિકેટે 588 રન કર્યા હતા અને એ સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. જોકે એ મૅચ ડ્રૉમાં ગઈ હતી.