શું સેહવાગ અને પત્ની આરતી વચ્ચે કારમાં ઝઘડો થયેલો? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

શું સેહવાગ અને પત્ની આરતી વચ્ચે કારમાં ઝઘડો થયેલો?

નવી દિલ્હી: ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગ અને પત્ની આરતી 20 વર્ષના લગ્નજીવન બાદ હવે છૂટાછેડા લેવાના છે એવા અહેવાલો વચ્ચે એક રિપોર્ટ એવો આવ્યો છે કે થોડા મહિના અગાઉ બંને વચ્ચે કારમાં ઝઘડો થયો હતો. એવું મનાય છે કે બંને વચ્ચેનું અંતર ત્યારથી જ વધવા લાગ્યું હતું.

સેહવાગ અને આરતી લગભગ એક વર્ષથી સાથે નથી રહેતા. તેમને બે પુત્રો છે અને એમાંથી એક પુત્ર સેહવાગની સાથે અને બીજો પુત્ર આરતી સાથે રહે છે એવું સાંભળવા મળ્યું છે. દંપતીએ થોડા સમયથી એકબીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો કર્યા છે.

સેહવાગ અને આરતી વચ્ચે કારમાં થયેલા કથિત ઝઘડાનો વીડિયો વાઇરલ થયો છે. જોકે આ વીડિયો નવો નથી અને એનો ઑડિયો પણ બંધ છે એટલે એના વિશે ચાહકોને શંકા થઈ રહી છે. સેહવાગ અને આરતી નાનપણથી એકબીજાને ઓળખે છે. સેહવાગ 21 વર્ષનો હતો ત્યારે તેણે આરતીને પ્રપોઝ કર્યું હતું. 2004માં તેમણે લગ્ન કર્યા હતા. તેમનો મોટો પુત્ર આર્યવીર 17 વર્ષનો અને નાનો પુત્ર વેદાંત 14 વર્ષનો છે.

સેહવાગ સામાન્ય રીતે પોતાના પરિવારની બાબતમાં ખૂબ ખુલ્લા મનનો રહ્યો છે. જોકે ગયા વર્ષે દિવાળી વખતે તેણે મોટા પુત્ર આર્યવીર અને માતા ક્રિષ્ના સાથેનો ફોટો મીડિયામાં શૅર કર્યો હતો. જોકે ત્યારે એ આલ્બમમાં આરતી અને નાના પુત્ર વેદાંતનો ફોટો નહોતો.

આ પણ વાંચો…પત્રકારે કૅપ્ટનને ફટ દઈને પૂછી લીધું, `તમે કૅપ્ટન્સી છોડશો કે ક્રિકેટ બોર્ડ તમને હટાવે?’

ઇન્સ્ટાગ્રામ પર આરતીના 1.78 લાખ ફૉલોઅર્સ છે. તેણે અચાનક જ પોતાના ઑફિશિયલ પ્રોફાઈલને પ્રાઇવેટ બનાવી દીધું છે. જોકે સેહવાગે પત્ની આરતી સાથેની જૂની તસવીરો મીડિયામાંથી ડીલીટ નથી કરી. આરતી સાથેની તેની છેલ્લી તસવીર એપ્રિલ 2023ની છે.

Back to top button