જુઓ, રોહિત શર્મા કેવી રીતે ધરમશાલા પહોંચ્યો!
વરસાદની સંભાવના અને એક ડિગ્રી તાપમાન વચ્ચે ભારતીયો 4-1થી સિરીઝ જીતવા મક્કમ
ધરમશાલા: ગુરુવાર, સાતમી માર્ચે અહીં હિમાચલ પ્રદેશ રાજ્યમાં પર્વતમાળા વચ્ચેના રળિયામણા વિસ્તારમાં બનેલા દર્શનીય સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની પાંચમી અને આખરી ટેસ્ટમાં કૅપ્ટન રોહિત શર્મા સાથી ખેલાડીઓ સાથે મેદાન પર રમવા ઊતરે એ પહેલાં તેણે મંગળવારે પ્રૅક્ટિસ માટે હેલિકૉપ્ટરમાં આગમન કર્યું હતું.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારતને મોખરાના સ્થાને લઈ જનાર રોહિત અગાઉ નક્કી થયા મુજબ હેલિકૉપ્ટરમાં ધરમશાલા પહોંચ્યો હતો. તેની આ ગ્રૅન્ડ એન્ટ્રીને તેના ઘણા ચાહકોએ જોઈ હતી. તેના આ ચોંકાવનારા આગમનનો વીડિયો વાયરલ થયો છે.
તેના સુકાનમાં ભારત શ્રેણીમાં 3-1થી વિજયી સરસાઈ સાથે આગળ છે અને હવે 4-1થી જીતી શકે એમ છે.
ભારતીય ટીમ હૈદરાબાદની પ્રથમ ટેસ્ટ હારી ગઈ હતી, પણ પછી વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીની મૅચ જીતીને ભારતે વિજયની હૅટ-ટ્રિક નોંધાવી છે અને હવે જીતનો ચોક્કો મારવાની તૈયારી થઈ રહી છે.
જોકે પાછલી ચાર ટેસ્ટના સ્થળની તુલનામાં ધરમશાલાનું વાતાવરણ સાવ અલગ છે. અહીં વરસાદની સંભાવના છે અને તાપમાન એક ડિગ્રી જેટલું રહે છે. આ ગ્રાઉન્ડ પર ફક્ત એક ટેસ્ટ રમાઈ છે. 2017માં અજિંક્ય રહાણેના સુકાનમાં ભારતે સ્ટીવ સ્મિથની ઑસ્ટ્રેલિયન ટીમને ચોથા જ દિવસે આઠ વિકેટના માર્જિનથી હરાવી દીધી હતી. ભારતે ત્યારે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. રવીન્દ્ર જાડેજા એ મૅચનો અને આખી શ્રેણીનો પુરસ્કાર જીત્યો હતો.