ઝિમ્બાબ્વેનો શ્રીલંકા સામે સેકન્ડ-લાસ્ટ બૉલમાં વિજય
કોલંબો: ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને સિરીઝની બીજી ટી-20માં છેલ્લી ઓવરના થ્રિલરમાં હરાવીને શ્રેણી 1-1થી લેવલ કરી લીધી હતી. ઝિમ્બાબ્વેને 174 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, 20મી ઓવરમાં એમણે જીતવા 20 રન બનાવવાના હતા અને પીઢ બોલર ઍન્જેલો મૅથ્યૂઝની એ ઓવરમાં લ્યૂક યૉન્ગ્વે (પચીસ અણનમ, 12 બૉલ, બે સિક્સર, બે ફોર) અને વિકેટકીપર ક્લાઇવ મૅન્ડેન (15 અણનમ, પાંચ બૉલ, બે સિક્સર)ની જોડીએ મળીને કુલ 24 રન ફટકાર્યા હતા અને ઝિમ્બાબ્વેને યાદગાર જીત અપાવી હતી. ઝિમ્બાબ્વેએ 19.1 ઓવરમાં 178/6ના સ્કોર સાથે શ્રીલંકાને જોરદાર વળતો જવાબ આપ્યો હતો.
મૅથ્યૂઝની 20મી ઓવરના પ્રથમ બૉલમાં યૉન્ગ્વેએ સિક્સર ફટકારી હતી. એ નો-બૉલ હતો. એ સાત રન બન્યા પછીના બૉલમાં ફોર અને પછી સિક્સર જતાં કુલ 17 રન બની ગયા હતા. એક ડૉટ-બૉલ બાદ યૉન્ગ્વેએ સિંગલ લીધો હતો અને પાંચમા બૉલમાં મૅન્ડેને છગ્ગો ફટકારીને ખેલ ખતમ કરી નાખ્યો હતો. સ્લો ઓવર-રેટને કારણે પેનલ્ટીના રૂપમાં શ્રીલંકાની ટીમ 20મી ઓવરમાં 30 યાર્ડના સર્કલની બહાર ચાર જ ફીલ્ડર ઊભા રાખી શકી હતી અને એનો લાભ ઝિમ્બાબ્વેના બૅટર્સે પાવર હિટિંગથી ઉઠાવ્યો હતો.
મેન્સ ટી-20ની 20મી ઓવરમાં લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરવામાં આવ્યો હોય અને એ 20મી ઓવરમાં બનેલા સૌથી વધુ રનમાં ઝિમ્બાબ્વેની આ જોડીએ બનાવેલા કુલ 20 રન બીજા સ્થાને છે. તાજેતરમાં ભારત સામે ઑસ્ટ્રેલિયાએ 20મી ઓવરમાં 21 રન બનાવ્યા હતા. ગયા વર્ષે વેસ્ટ ઇન્ડીઝ સામે ઇંગ્લૅન્ડે પણ 20મી ઓવરમાં 21 રન નોંધાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો.
શ્રીલંકાના સાત બોલરમાં મહીશ થીકશાના અને દુશ્મન્થા ચમીરાએ બે-બે વિકેટ લીધી હતી. ક્રેગ ઇર્વિન (70 રન, 54 બૉલ, બે સિક્સર, છ ફોર)નું ઝિમ્બાબ્વેને સૌથી મોટું યોગદાન હતું. જોકે પેસ બોલર લ્યુક યૉન્ગ્વેએ બે વિકેટ પણ લીધી હતી અને એક કૅચ પણ પકડ્યો હતો અને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
શ્રીલંકા બૅટિંગ મળતાં 6 વિકેટે 173 રન બનાવ્યા હતા જેમાં ચરિથ અસલન્કા (39 બૉલમાં 69 રન) અને ઍન્જેલો મૅથ્યૂઝ (51 બૉલમાં અણનમ 66)નો સૌથી વધુ ફાળો હતો.