વિજ્ઞાનીઓએ કેમ આવું કહ્યું, `ફિફાએ વર્લ્ડ કપના કૅલેન્ડર વિશે ફેર વિચારણા કરવાની જરૂર છે' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

વિજ્ઞાનીઓએ કેમ આવું કહ્યું, `ફિફાએ વર્લ્ડ કપના કૅલેન્ડર વિશે ફેર વિચારણા કરવાની જરૂર છે’

જીનિવાઃ ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂઆતથી (1930ની સાલથી) દર ચાર વર્ષે જૂન-જુલાઈના બે મહિનામાં જ રમાય છે, પરંતુ ગ્લોબલ વૉર્મિંગને લીધે (બીજી રીતે કહીએ ક્લાઇમેટ ચેન્જને કારણે) ત્યારથી માંડીને અત્યાર સુધીમાં આ બે મહિના દરમ્યાન ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે જેને ધ્યાનમાં લઈને ફૂટબૉલ (Football) જગતનું સંચાલન કરતી સંસ્થા ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસૉસિયેશન (ફિફા)એ હવે વિશ્વ કપના કૅલેન્ડર બાબતમાં ફેર વિચારણા કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.

નવેમ્બર-ડિસેમ્બર, 2022નો ફિફા (FIFA) વર્લ્ડ કપ કતારમાં યોજાયો હતો અને હવે પછીનો વિશ્વ કપ (world cup) જૂન-જુલાઈ, 2026માં સંયુક્ત રીતે અમેરિકા, મૅક્સિકો, કૅનેડામાં યોજાશે.

1930થી 2025 સુધીમાં વિશ્વ સ્તરે જૂન-ઑગસ્ટ સુધીના ત્રણ મહિનામાં એકંદરે 1.05 ડિગ્રી સેલ્સિયસ (1.89 ડિગ્રી ફેરનહીટ) વધી ગયો છે, એવું યુએસ નૅશનલ ઑસનિક ઍન્ડ ઍટમૉસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશનમાં જણાવવામાં આવ્યું છે. દરમ્યાન, યુરોપનું ઉનાળા દરમ્યાનનું તાપમાન 1.81 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ખાસ કરીને તાપમાન 1990ના દાયકા પછી અગાઉ કરતાં વધુ ઝડપે વધ્યું છે.

આ પણ વાંચો: ફૂટબૉલના ક્લબ વર્લ્ડ કપમાં ચેલ્સી ચૅમ્પિયનઃ યુરોપિયન ચૅમ્પિયન પીએસજી પરાજિત…

હવામાન સંબંધિત વિજ્ઞાનીઓ કહે છે કે ખાસ કરીને ફૂટબૉલ જેવી તીવ્ર રસાકસીવાળી ટીમ-ગેમ રમતી વખતે તીવ્ર ગરમીની થતી અસર બાબતમાં ખાસ વિચાર કરવો જોઈએ. તાપમાન વિશ્વભરમાં વધી રહ્યું છે એ જોતાં પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૉકર વર્લ્ડ કપ અને બીજી ફૂટબૉલ સ્પર્ધા હવે પછી ઉનાળાના મહિનાઓ દરમ્યાન યોજવી કે નહીં બાબતમાં ખાસ વિચારવાની જરૂર છે, કારણકે આવું બદલાયેલું તાપમાનની ખેલાડીઓ તેમ જ પ્રેક્ષકો પર વિપરીત અસર કરી શકે.’ કેટલાક વિજ્ઞાનીઓનું એવું કહેવું છે કે ફિફાએ ફૂટબૉલની મોટી સ્પર્ધાઓ કૅલેન્ડર યરમાં એવા સમયે રાખવી જેમાં ગરમી સંબંધિત બીમારીનું જોખમ ઓછું હોઈ શકે. ઇંગ્લૅન્ડમાં લીડ્સ (જ્યાં તાજેતરમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી) ખાતેના પ્રિસ્ટલી સેન્ટર ફૉર ક્લાઇમેટ ફ્યૂચર્સના ડિરેકટર પ્રો. પીઅર્સ ફૉરસ્ટરે કહ્યું છે કે જેમ-જેમ દાયકાના પાછલા વર્ષમાં વર્લ્ડ કપ રમાતો જાય એમ ગરમીની અસર વધુ વર્તાય. જો થોડા શીત મહિનાઓમાં રાખી શકાય. મને તો ડર છે કે ખેલકૂદની કોઈ મોટી સ્પર્ધામાં હીટવેવની અવળી અસર ન થાય તો સારું. ફૂટબૉલની સ્પર્ધાઓના આયોજકોએ હવામાન અને સ્વાસ્થ્ય સંબંધિત વિજ્ઞાનના પરિબળોને ધ્યાનમાં લેવા જ જોઈશે.’

લંડનની ઇમ્પિરિયલ કૉલેજના હવામાન વિષયક નિષ્ણાત ફ્રેડરિક ઑટોનું કહેવું છે કે ` ફૂટબૉલ જો દિવસના 10 કલાક રમવી હોય તો એની મૅચો વહેલી સવારે અથવા મોડી સાંજ પછી જ રાખવી જોઈએ. આપણે કોઈ નથી ઇચ્છતા કે હીટસ્ટ્રૉકને લીધે કોઈ ખેલાડીનું કે ફૂટબૉલચાહકનું મૃત્યુ થાય અથવા અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે તે બીમાર પડી જાય.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button