સ્પોર્ટસ

અન્ડર-19 મેન્સ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડમાં ટક્કર નહીં, પણ પછી…

16 ટીમના વન-ડે વિશ્વ કપમાં તાન્ઝાનિયાનું ડેબ્યૂ, જાપાનનું કમબૅક

દુબઈઃ આવતા વર્ષે યોજાનારા મેન્સ અન્ડર-19 વર્લ્ડ કપ (world cup)ને લઈને મોટી જાહેરાત થઈ છે. ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આગામી 15મી જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમ્યાન ટૂર્નામેન્ટ રમાશે એવી જાહેરાત સાથે આઇસીસી (ICC)એ બુધવારે શેડ્યૂલ (Schedule) જાહેર કર્યું હતું, પરંતુ લીગ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો નહીં થાય એ જાણીને ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્ય થયું છે.

સામાન્ય રીતે કોઈ પણ બહુરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવે છે કે જેથી શરૂઆતથી જ આ ટૂર્નામેન્ટમાં કરોડોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ રસ લેતા થઈ જાય. જોકે આગામી અન્ડર-19 વર્લ્ડ કપમાં બન્ને કટ્ટર દેશને અલગ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે.

કોઈ પણ નાની-મોટી ક્રિકેટ સ્પર્ધાની શરૂઆત પહેલાંથી જ કરોડો ક્રિકેટ ફૅન્સ ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કરની રાહ જોતા હોય છે, પરંતુ આગામી અન્ડર-19 વિશ્વ કપમાં ભારતને ગ્રૂપ-એમાં અને પાકિસ્તાનને ગ્રૂપ-બીમાં રાખવામાં આવ્યું છે. લીગ રાઉન્ડમાં તો આ બે દેશ વચ્ચે જંગ નહીં ખેલાય. જોકે સમયપત્રક એવું બનાવાયું છે જે મુજબ લીગ પછીના રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન સામસામે આવશે એની સંભાવના પાકી છે.

વન-ડે ફૉર્મેટમાં રમાનારા આ વર્લ્ડ કપની 16મી સીઝનમાં કુલ 16 ટીમ ભાગ લેશે જેમાં તાન્ઝાનિયા ડૅબ્યૂ કરશે અને જાપાન (2020ની સીઝનમાં રમ્યા બાદ) કમબૅક કરશે. 23 દિવસના આ વર્લ્ડ કપમાં કુલ 41 મૅચ રમાશે. 15મી જાન્યુઆરીએ ભારત અને યુએસએ વિરુદ્ધની મૅચ સાથે વર્લ્ડ કપનો આરંભ થશે. આ મૅચ ઝિમ્બાબ્વેમાં બુલવૅયોમાં રમાશે. પાકિસ્તાનની પ્રથમ મૅચ 16મી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામે રમાશે.

2024ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. ત્યારે ભારતની ટીમનો કૅપ્ટન ઉદય સહરાન હતો અને ટીમમાં ખાસ કરીને મુશીર ખાન, અર્શિન કુલકર્ણી, રાજ લિંબાણી, નમન તિવારી, પ્રિયાંશુ મોલિયા વગેરેનો સમાવેશ હતો.

16 ટીમને કુલ ચાર ગ્રૂપમાં ચાર-ચાર ટીમ તરીકે વહેંચવામાં આવી છે. લીગ રાઉન્ડના ચારેય ગ્રૂપની ટોચની ત્રણ-ત્રણ ટીમ સુપર-સિક્સ રાઉન્ડમાં પહોંચશે. આ રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે. સુપર-સિક્સ રાઉન્ડની ટોચની ચાર ટીમ 3-4 ફેબ્રુઆરીની સેમિ ફાઇનલમાં પહોંચશે અને એમાં જીતનાર બે ટીમ વચ્ચે છઠ્ઠી ફેબ્રુઆરીએ હરારેમાં ફાઇનલ જંગ ખેલાશે.

કઈ ટીમ કયા ગ્રૂપમાં

ગ્રૂપ-એઃ ભારત, બાંગ્લાદેશ, યુએસએ, ન્યૂ ઝીલૅન્ડ
ગ્રૂપ-બીઃ પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ
ગ્રૂપ-સીઃ ઑસ્ટ્રેલિયા, આયરલૅન્ડ, જાપાન, શ્રીલંકા
ગ્રૂપ-ડીઃ તાન્ઝાનિયા, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા

ભારતની લીગ મૅચો ક્યારે અને કોની સામે

(1) 15 જાન્યુઆરી, યુએસએ વિરુદ્ધ, બુલવૅયો
(2) 17 જાન્યુઆરી, બાંગ્લાદેશ વિરુદ્ધ, બુલવૅયો
(3) 24 જાન્યુઆરી, ન્યૂ ઝીલૅન્ડ વિરુદ્ધ, બુલવૅયો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button