બોલો, આફ્રિદી પોતાના જ જમાઈને કેપ્ટનપદે જોવા માગતો નથી, જાણો શું છે મામલો?
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટમાં થોડા દિવસ થાય એટલે કંઇક અજુગતું ન બને તો નવાઈ લાગે. જુઓને, પાકિસ્તાન ક્રિકેટમાં લેજન્ડ ગણાતો ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી પોતાના જ જમાઈ શાહીન શાહ આફ્રિદીને દેશની ટવેન્ટી-20 ટીમના કેપ્ટનપદે જોવા નથી માગતો અને એના બદલે તેને સુકાનીપદે મોહમ્મદ રિજ્વાનને જોવાની તીવ્ર ઈચછા છે.
બાબર આજમે ત્રણેય ફોર્મેટનું નેતૃત્વ છોડ્યું ત્યાર બાદ સિલેક્ટર્સે શાહીન આફ્રિદીને ટી-ટવેન્ટીની ટીમનો અને શાન મસૂદને ટેસ્ટ ટીમનો સુકાની બનાવ્યો છે, જોકે, શાહીદ આફ્રિદીને પોતાના દામાદ શાહીન આફ્રિદી કરતાં રિજવાનમાં વધુ કેપ્ટન્સીના ગુણ દેખાય છે.
શાહીદ આફ્રિદીને કહેતા ટાંક્યો હતો કે રિજવાન બહુ સારો ફાઇટર છે. તે હાર્ડ વર્કિંગ તો છે જ ગેમ પર તેનું ફોકસ પણ બહુ સારું હોય છે. કોણ શું કરે છે એના કરતાં પોતે શું કરવું એના પર જ તેનું લક્ષ્ય હોય છે અને તેનો એ ગુણ મને ખૂબ ગમ્યો છે. હું રિજવાનને ટવેન્ટી-20 ટીમના કેપ્ટનપદે જોવા માગું છું. શાહીનને તો ભૂલથી કેપ્ટન બનાવાયો છે.
શાહીન આફ્રિદીએ ૨૦૨૧માં શાહીદ આફ્રિદીની દીકરી અંશા આફ્રિદી સાથે સગાઈ કરી હતી અને બંનેએ ફેબ્રુઆરી ૨૦૨૩માં ખાનગી સમારોહમાં નિકાહ કર્યા હતા. ૨૩ વર્ષના શાહીન આફ્રિદીએ બાવન ટી-ટવેન્ટીમાં ૬૪ વિકેટ લીધી છે.
પાકિસ્તાનની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીજ્ રમે છે, ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ૨-૦ થી વિજયી સરસાઈ છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાન સતત ૧૬ ટેસ્ટ હારી ચૂકયું છે. આવતીકાલે સિડનીમાં અંતિમ ટેસ્ટ શરૂ થશે.