નિવૃત્ત સૌરવ ગાંગુલી પાસે કેટલી બ્રાન્ડ છે જાણો છો?

નવી દિલ્હીઃ એક સમયનો ભારતનો સૌથી સફળ કૅપ્ટન અને એકવીસમી સદીની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાના અભિગમમાં મોટું પરિવર્તન લાવીને ટીમમાં જોશ અને ઝનૂન ભરીને તેમને વિજય મેળવવા માટે અનોખી દિશા બતાવનાર સૌરવ ગાંગુલીએ ખેલાડી તરીકે નિવૃત્તિ લીધી એને 17 વર્ષ થઈ ગયા છે, પણ કોર્પોરેટ જગતમાં મૉડેલ તરીકે તેની ડિમાન્ડ જરાય ઓછી નથી થઈ. ઊલટાની વધી છે એવું કહીએ તો પણ ખોટું નથી. બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ ગાંગુલી પાસે હાલમાં બે-ચાર કે પાંચ-દસ નહીં, પણ પૂરી 40 બ્રાન્ડ છે.
Also read : ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત ગેમ ચેન્જર્સને ઓળખો…
દેશ-વિદેશની જાણીતી અનેક કંપનીઓ પોતાની પ્રૉડક્ટોના પ્રચાર માટે પ્લાન બનાવે ત્યારે એમાં ગાંગુલીને સમાવવાનું ચૂકતી નથી.બાવન વર્ષનો ગાંગુલી હાલમાં 40 એન્ડોર્સમેન્ટને લગતા કરાર પોતાના નામે ધરાવે છે. આ બ્રાન્ડ બૅન્કિંગ, સ્થાવર મિલકત, વાહનો તેમ જ ઑટોમાબાઇલ્સ કંપનીઓની અન્ય પ્રૉડક્ટો, ઘરેલું માલસામાન તથા ગૅમિંગ સહિતની ખેલકૂદની ઍપને લગતી છે.
પીટીઆઇના અહેવાલ મુજબ ગાંગુલીની કેમ આટલી બધી ડિમાન્ડ છે એ વિશે તેની મૅનેજમેન્ટ ટીમના મેમ્બર ભાવેશ સિંહે કહ્યું હતું કે `દાદા જે બ્રાન્ડ સાથે પોતાને સાંકળી લે છે એ બ્રાન્ડ ને માર્કેટમાં કંઈક અલગ જ રજૂઆત મળે છે. એ પ્રૉડક્ટને દાદાને કારણે એવી વિશ્વસનીયતા મળે છે જે અજોડ હોય છે. તેમની સમર્પણ ભાવનાને કારણે એ પ્રૉડક્ટ લોકોમાં વ્યાપક સ્તરે દેખાવા જ લાગે છે, એ ઉત્પાદન કે સર્વિસના એકધારા વિકાસની ખાતરી પણ સંબંધિત કંપનીને મળે છે.
એ રીતે, માર્કેટમાં એ પ્રૉડક્ટની ખરી અસર જોવા મળે છે. દાદાની પોતાની પ્રતિભાની વિશ્વસનીયતા તેમ જ પૅશન અને લોકો સાથેના ઊંડાણપૂર્વકના સંપર્કને લીધે તેમની ગણના ગેમ-ચૅન્જર તરીકે થાય છે.
Also read : ગૌતમ ગંભીરનું ધ્યાન ચેમ્પિયન ટ્રોફી પર નથી! જાણો ક્રિકેટ ચાહકો કેમ નારાજ થયા
ગાંગુલી ખેલકૂદમાં માત્ર ક્રિકેટ સાથે સંકળાયેલો છે એવું નથી. ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં તે કોલકાતા ટીમની સહ-માલિકી ધરાવે છે તેમ જ દિલ્હી કૅપિટલ્સ સાથે પણ સંકળાયેલો જે જેમાં તે પુરુષોની આઇપીએલ અને મહિલાઓની ડબ્લ્યૂપીએલ, બન્ને ફ્રૅન્ચાઇઝી માટે કામ કરે છે.