રણજી ટ્રોફીના મુકાબલા શરૂ...
સ્પોર્ટસ

રણજી ટ્રોફીના મુકાબલા શરૂ…

ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિદ્ધેશ લાડ, કિશન, શમી અને પડિક્કલનો ધમાકેદાર આરંભ

રાજકોટઃ રણજી ટ્રોફી (Ranji Trophy)ની નવી સીઝન બુધવારે શરૂ થઈ અને ચાર-ચાર દિવસની મૅચોનો જે ધમાકેદાર આરંભ થયો એમાં ખાસ કરીને બોલર્સમાં સૌરાષ્ટ્રના 35 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પર્ફોર્મન્સ ઊડીને આંખે વળગે એવો હતો.

તેણે કર્ણાટક (5/295)ની પાંચમાંથી ચાર વિકેટ લીધી હતી. તેણે કર્ણાટકના દેવદત્ત પડિક્કલ (96 રન)ને ચાર રન માટે સદીથી વંચિત રાખ્યો હતો અને કરુણ નાયર (73 રન)ની વિકેટ પણ તેણે જ લીધી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendrsingh jadeja)એ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 400 વિકેટની મહાન સિદ્ધિ હાંસલ કરી હતી.

અન્ય રણજી મૅચોમાં શું બન્યું?ઃ

(1) શ્રીનગરમાં જમ્મુ/કાશ્મીર સામે મુંબઈએ મુશીર ખાનની શૂન્યમાં વિકેટ ગુમાવી ત્યાર પછી સિદ્ધેશ લાડના 116 રન અને શમ્સ મુલાનીના 79 નૉટઆઉટની મદદથી પાંચ વિકેટે 336 રન કર્યા હતા. સરફરાઝ ખાન 42 રને રનઆઉટ થયો હતો.

(2) કટકમાં બરોડા સામે ઓડિશાએ પાંચ વિકેટે 205 રન કર્યા હતા. બરોડા વતી અતિત શેઠ અને ભાર્ગવ ભટ્ટે બે-બે વિકેટ લીધી હતી.

PTI

(3) કોલકાતામાં ઉત્તરાખંડને 213 રનમાં ઑલઆઉટ કરાવવામાં બેન્ગાલના મોહમ્મદ શમીનું મહત્ત્વનું યોગદાન હતું. તેણે માત્ર 37 રનમાં ત્રણ વિકેટ લઈને ભારતીય સિલેક્ટરોને પોતાની ક્ષમતા વિશે સંકેત આપી દીધો હતો. સૂરજ જયસ્વાલે ચાર અને ઇશાન પોરેલે ત્રણ વિકેટ લીધી હતી. બેન્ગાલે આઠ રનમાં એક વિકેટ ગુમાવી હતી.

(4) અમદાવાદમાં ગુજરાત સામે આસામે 218 રનમાં છ વિકેટ ગુમાવી હતી. પ્રદ્યુન સૈકિયાએ 70 રન કર્યા હતા. સિદ્ધાર્થ દેસાઈએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

(5) કોઇમ્બતુરમાં તમિળનાડુ સામે ઝારખંડે કૅપ્ટન ઇશાન કિશનના 125 નૉટઆઉટની મદદથી છ વિકેટે 307 રન કર્યા હતા. ગુર્જપનીત સિંહે ત્રણ વિકેટ લીધી હતી.

(6) બેંગલૂરુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભએ નાગાલૅન્ડ સામે અમન મોખાડેના 148 નૉટઆઉટ અને યશ રાઠોડના 66 નૉટઆઉટની મદદથી ત્રણ વિકેટે 302 રન કર્યા હતા.

(7) તિરુવનંતપુરમમાં કેરળ સામે મહારાષ્ટ્રએ સાત વિકેટે 179 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 91 રને વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે એ પહેલાં મહારાષ્ટ્રની ટીમ મોટી મુસીબતમાં હતી. એણે 18 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. એના ચાર બૅટ્સમેન ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હતા અને એમાં પૃથ્વી શૉનો પણ સમાવેશ હતો. તે મુંબઈની ટીમ છોડીને મહારાષ્ટ્રની ટીમમાં જોડાયો છે.

આ પણ વાંચો…શું વાત છે!…આ બોલરે રણજી ટ્રોફીના એક દાવમાં લીધી તમામ 10 વિકેટ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button