સરફરાઝના 15 બૉલમાં ફિફ્ટી, મુંબઈ વિજયની લગોલગ આવ્યા બાદ…

અભિષેક શર્માની ઓવર ધોવાઈ ગઈ: 6, 4, 6, 4, 6, 4
જયપુરઃ બૅટ્સમૅન સરફરાઝ ખાન (62 રન, 20 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) થોડા સમયથી ભારતીય ટીમમાં સ્થાન નથી મેળવી શકતો, પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં તે વારંવાર ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા માટે મજબૂત દાવો કરી જ રહ્યો છે અને એવી એક ઇનિંગ્સ ગુરુવારે અહીં મુંબઈ વતી પંજાબ સામેની વિજય હઝારે ટ્રોફીની મૅચમાં રમ્યો જેમાં તેણે વિક્રમજનક હાફ સેન્ચુરી (half century) ફટકારી હતી. તેણે 15 બૉલમાં ફિફ્ટી પૂરા કર્યા હતા.
જોકે તેના આ ફિફ્ટી એળે ગયા હતા, કારણકે મુંબઈની ટીમ વિજયની લગોલગ પહોંચ્યા બાદ ઑલઆઉટ થઈ જતાં પંજાબે માત્ર એક રનના તફાવતથી વિજય મેળવ્યો હતો. એક તબક્કે મુંબઈનો સ્કોર ત્રણ વિકેટે 169 રન હતો, પરંતુ ત્યાર બાદ 46 રનમાં બાકીની સાત વિકેટ પડી ગઈ હતી.

સરફરાઝે કોનો વિક્રમ તોડ્યો?
સરફરાઝ ખાનના 15 બૉલની હાફ સેન્ચુરી લિસ્ટ-એ (ડોમેસ્ટિક ક્રિકેટની વન-ડે)માં નવો ભારતીય રેકૉર્ડ છે. તેણે મહારાષ્ટ્રના અભિજિત કાળેનો 16 બૉલની હાફ સેન્ચુરીનો 31 વર્ષ જૂનો (1995ની સાલનો) વિક્રમ તોડ્યો હતો. 2021માં બરોડાની ટીમના અતિત શેઠે પણ 16 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી અને એ રેકૉર્ડ પણ હવે બીજા નંબર પર આવી ગયો છે. સરફરાઝે (Sarfaraz) પંજાબના ઑલરાઉન્ડર અભિષેક શર્માની એક ઓવર (6, 4, 6, 4, 6, 4)માં જોરદાર ફટકાબાજી કરી હતી.
અભિષેક શર્માના સુકાનમાં પંજાબની ટીમ બૅટિંગ મળ્યા પછી 45.1 ઓવરમાં 216 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જેમાં અનમોલપ્રીત સિંહ (57 રન, 75 બૉલ, એક સિક્સર, છ ફોર) અને રમણદીપ સિંહ (72 રન, 74 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. ખુદ અભિષેક ઓપનિંગમાં આઠ રન કરીને આઉટ થઈ ગયો હતો. શ્રેયસ ઐયરના સુકાનમાં રમનાર મુંબઈ વતી મુશીર ખાને ત્રણ તેમ જ ઓન્કાર તરમાળે તેમ જ શિવમ દુબે અને શશાંક અતાર્ડેએ બે-બે વિકેટ લીધી હતી.
સૂર્યકુમાર યાદવ ફરી ફ્લૉપ
મુંબઈ (Mumbai)ની ટીમ 26.2 ઓવરમાં 215 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં સરફરાઝના 62 રન ઉપરાંત ખુદ સુકાની શ્રેયસ ઐયર (45 રન, 34 બૉલ, બે સિક્સર, ચાર ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. સૂર્યકુમાર યાદવ (15 રન, 12 બૉલ, ત્રણ ફોર) સહિત મુંબઈનો બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. તે ઘણા સમયથી ફૉર્મમાં નથી અને ભારતીય ટીમ માટે એ ચિંતાનો મોટો વિષય છે.
પંજાબના આઠ બોલરના આક્રમણ
મુંબઈ સામે પંજાબના આઠ બોલરના આક્રમણ વચ્ચે ફાસ્ટ બોલર ગુરનૂર બ્રાર અને લેગ-બે્રક સ્પેશ્યાલિસ્ટ મયંક માર્કન્ડેએ ચાર-ચાર વિકેટ લીધી હતી. હરપ્રીત બ્રાર અને હરનૂર સિંહને એક-એક વિકેટ મળી હતી. આ આક્રમણ વચ્ચે પંજાબની ટીમ છેવટે જીતીને રહી હતી.



