આ ભારતીય બૅટર બર્થ-ડેના બે કલાક પહેલાં પહેલી વાર પિતા બન્યો
ટેસ્ટના બૅટિંગ રૅન્કિંગમાં લગાવી ઊંચી છલાંગ
પુણે: ન્યૂ ઝીલેન્ડ સામે આવતી કાલે (ગુરુવારે) અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ માટે મંગળવારે જે પ્રેક્ટિસ સેશન હતું એમાં મિડલ-ઓર્ડર બેટર સરફરાઝ ખાન હાજર નહોતો અને બીજી બાજુ કેએલ રાહુલે હેડ-કોચ ગૌતમ ગંભીરની મદદથી ભરપૂર બેટિંગ પ્રૅક્ટિસ કરી હતી. વાત એવી છે કે સરફરાઝ બાવીસમી ઑક્ટોબરના પોતાના બર્થ-ડેની શરૂઆતના બે કલાક પહેલાં જ પહેલી વાર પિતા બન્યો હતો. તેની પત્ની રોમાના ઝહૂરે 21મી ઑક્ટોબરની મોડી રાતે બાળકને જન્મ આપ્યો હતો.
સરફરાઝે પરિવારમાં બૅબી બૉયના આગમનના સમાચાર અને ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે. એક ફોટોમાં તેના પિતા નૌશાદ ખાન પણ હતા.
સરફરાઝને 27મા જન્મદિનના બે કલાક પહેલાં જ પત્ની રોમાનાએ પુત્રના રૂપમાં બર્થ-ડે ગિફ્ટ આપી હતી.
સરફરાઝ અને રોમાનાએ ગયા વર્ષે ઑગસ્ટમાં કાશ્મીરમાં નિકાહ કર્યા હતા. સરફરાઝે ટેસ્ટના રૅન્કિંગમાં મોટી છલાંગ પણ લગાવી છે. તેણે 31 ક્રમની છલાંગ લગાવી છે અને 53મા સ્થાને પહોંચી ગયો છે. તેણે કેએલ રાહુલ (59મી રૅન્ક)ને પાછળ મૂકી દીધો છે.
ભારતીય ટીમ બેંગ્લોરની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવના 46 રનની નામોશી બાદ હારી ગઇ હતી. બીજા દાવમાં સરફરાઝ ખાને 150 રન બનાવીને જબરદસ્ત લડત આપી હતી.
આ પણ વાંચો :બેંગ્લૂરુનો સેન્ચુરિયન સરફરાઝ ખાન કેમ પ્રેક્ટિસમાં નહોતો? કેમ મુંબઈ આવી ગયો હતો?
મંગળવારે પુણેની પ્રેક્ટિસમાં સરફરાઝ હાજર નહોતો એટલે અફવા બજારમાં એવી ચર્ચા હતી કે તે પુણેની બીજી ટેસ્ટમાં કદાચ નહીં રમે.
જોકે સરફરાઝની પત્નીએ બાળકને જન્મ આપ્યો હોવાથી સરફરાઝ તેની પડખે રહેવા મુંબઈ આવ્યો હતો અને આજે સવારે પુણે પાછો પહોંચી ગયો હતો.
શુભમન ગિલ ગરદનની ઈજામાંથી મુક્ત થયા બાદ પાછો ફિટ થઈ ગયો છે અને પુણેની બીજી ટેસ્ટમાં રમશે એવી પાકી સંભાવના છે. એ જોતાં, તેને પ્લેઈંગ ઇલેવનમાં સમાવવા માટે કેએલ રાહુલને કદાચ પડતો મૂકવામાં આવશે.
ખરેખર તો બેંગ્લોરની ટેસ્ટમાં ગિલના સ્થાને સરફરાઝને લેવામાં આવ્યો હતો અને તેણે એ તકનો ફાયદો ઊઠાવ્યો અને 150 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલ બંને દાવમાં ફ્લોપ હતો.
આ બાજુ, મંગળવારે કેએલ રાહુલે ભરપૂર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. એક તબક્કે તેણે બોલિંગ કરવા માટે સહાયક કોચ મોર્ની મોર્કલને પણ વિનંતી કરી હતી અને તેની મદદથી પ્રેક્ટિસ પૂરી કરી હતી.