સારા તેન્ડુલકર ઑસ્ટ્રેલિયાના પર્યટન ઉદ્યોગની બ્રેન્ડ ઍમ્બેસેડર બની | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલસ્પોર્ટસ

સારા તેન્ડુલકર ઑસ્ટ્રેલિયાના પર્યટન ઉદ્યોગની બ્રેન્ડ ઍમ્બેસેડર બની

સિડનીઃ સચિન તેન્ડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ નવ સેન્ચુરી ઑસ્ટ્રેલિયા સામે ફટકારી અને વન-ડેની શાનદાર કારકિર્દીમાં પણ લિટલ ચૅમ્પિયનની સૌથી વધુ 11 સદી ઑસ્ટ્રેલિયા સામે જ હતી એટલે કુલ 100 આંતરરાષ્ટ્રીય સદીનો વિશ્વવિક્રમ રચનાર સચિનની સફળતામાં એક રીતે ઑસ્ટ્રેલિયાનું નામ સર્વોપરિ છે અને હવે એ જ દેશની સરકારે ભારતીયોમાં પોતાના દેશના પર્યટન ઉદ્યોગને વધુ સફળ બનાવવા સચિનની પુત્રી સારા (Sara)ની મદદ લીધી છે. સારા તેન્ડુલકરને ઑસ્ટ્રેલિયાના પર્યટન ઉદ્યોગની બ્રેન્ડ ઍમ્બેસેડર (Brand Ambassador) બનાવવામાં આવી છે.

ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરની 27 વર્ષીય દીકરી સારા તેન્ડુલકર ઉપરાંત ઍનિમૅટેડ કૅરેકટર રુબી, ધ સોવેનીર કાંગારું’ સાથે સંકળાયેલી કંપનીને પણ ઑસ્ટ્રેલિયન પર્યટનને પ્રોત્સાહિત કરવાની અને એનો ફેલાવો કરવાની જવાબદારી અપાઈ છે. આ અભિયાન (Campaign)ને કમ ઍન્ડ સે ગુડ-ડે’ નામ અપાયું છે.

આ પણ વાંચો: સચિનની પુત્રી સારા તેન્ડુલકરે ખરીદી આ ટીમ…

ખાસ કરીને ભારતીય સહેલાણીઓને આકર્ષિત કરવાના હેતુસર શરૂ કરવામાં આવેલું કુલ 130 મિલ્યન ડૉલર (અંદાજે કુલ 11.40 અબજ રૂપિયા)નું ભારતમાં આ અભિયાન સંભાળનાર નિશાંત કાશીકરના જણાવ્યા મુજબ ઑસ્ટ્રેલિયામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતીય પ્રવાસીઓની સંખ્યા આઠ ટકા વધી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે ` ઓવરનાઇટ-સ્ટેનું પ્રમાણ 21 ટકા વધ્યું છે અને ભારતીય પ્રવાસીઓની ખરીદીના પ્રમાણમાં 14 ટકાનો ઉછાળો આવ્યો છે. આવતા વર્ષ સુધીમાં ઑસ્ટ્રેલિયામાં 5,00,000 પર્યટકોને આકર્ષિત કરવાની નેમ છે.’

ઑસ્ટ્રેલિયાના પ્રવાસ ઉદ્યોગ દ્વારા સારા તેન્ડુલકરનું બ્રેન્ડ ઍમ્બેસેડર તરીકે સિલેક્શન માત્ર તેના પિતાની ખ્યાતિને આધારે નથી કર્યું. સારાને ઑસ્ટ્રેલિયા દેશ બેહદ પસંદ છે, તે નાનપણથી આ દેશના પ્રવાસે આવે છે અને એ રીતે ઑસ્ટ્રેલિયા સાથે તેનું ઇમોશનલ કનેક્શન છે, એવું કાશીકરનું કહેવું છે. ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો મળશે એવી ઑસ્ટ્રેલિયાના ટૂરિઝમ ઉદ્યોગને ખાતરી છે. સારાને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ બેહદ પ્રિય છે. તે કહે છે, ` કમ ઍન્ડ સે ગુડ-ડે અભિયાન માત્ર એક પર્યટનની વાત નથી. અહીં ઑસ્ટ્રેલિયામાં એવા સ્થળો છે જે પર્યટકના જીવનને નવી દિશા આપી શકે. ટ્રાવેલ કરવું એટલે કંઈક નવું શોધવું, સંબંધિત સ્થળની સંસ્કૃતિ જાણવી, ત્યાંની અનોખી વાનગીઓની મોજ પણ માણવી તેમ જ રસપ્રદ લોકોને મળ્યા પછી તેમની મુલાકાતની વાતો શૅર કરવી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button