રાજસ્થાનને સૅમસનના બદલામાં આ બે ખેલાડી જોઈએ છેઃ ચેન્નઈનું ફ્રૅન્ચાઇઝી હેરાન પરેશાન છે…

જયપુરઃ વિકેટકીપર-બૅટ્સમૅન સંજુ સૅમસન 2026ની આઇપીએલમાં કઈ ટીમ વતી રમશે એ હજી પણ મોટો સવાલ છે, કારણકે મીડિયાના રિપોર્ટ અનુસાર આઇપીએલના બે ફ્રૅન્ચાઇઝી ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે સૅમસન (Samson)ના ટ્રેડને લઈને ડીલ લગભગ પાક્કી થઈ ગઈ છે અને આ પ્રકરણમાં રવીન્દ્ર જાડેજા (Jadeja)નું નામ પણ ખૂબ ચર્ચામાં છે. રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝી સાથે સૅમસનના બદલામાં જાડેજાના ડ્રેડની વાત ચગી છે.
હવે જાણવા મળ્યું છે કે રાજસ્થાનની ટીમનું મૅનેજમેન્ટ સૅમસનના બદલામાં માત્ર એક ખેલાડી મળે એનાથી ખુશ નથી. એ તો ઇચ્છે છે કે એને સૅમસનના બદલામાં જાડેજા ઉપરાંત ડેવાલ્ડ બે્રવિસ પણ મળી જાય. બે્રવિસ ક્રિકેટ જગતમાં બૅબી ડિવિલિયર્સ તરીકે ઓળખાય છે.

એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ સૅમસન તથા જાડેજાને પાછલી સીઝનમાં અનુક્રમે રાજસ્થાન અને ચેન્નઈએ 18 કરોડ રૂપિયાવાળા સ્લૉટમાં રિટેન કર્યા હતા. અત્યાર સુધીમાં તેમની અદલાબદલીને લગતી ડીલ પાક્કી થઈ જવી જોઈતી હતી, પરંતુ રાજસ્થાનનું ફ્રૅન્ચાઇઝી ખેલાડીઓને સીધા સ્વૅપ કરવા માટે તૈયાર નથી. એ ઇચ્છે છે કે આ ટ્રેડમાં ચેન્નઈની ટીમના માલિકો એને સૅમસનના બદલામાં જાડેજા ઉપરાંત વધુ એક ખેલાડી પણ આપે. જોકે ચેન્નઈની ટીમના અધિકારી માત્ર જાડેજાને ટ્રેડમાં મૂકવા માગે છે અને અન્ય ખેલાડી તરીકે બે્રવિસને આપી દેવાનો તેમનો કોઈ જ ઇરાદો નથી.
સાઉથ આફ્રિકાનો આક્રમક બૅટ્સમૅન ડેવાલ્ડ બે્રવિસ હજી ગયા વર્ષે જ ચેન્નઈની ટીમમાં જોડાયો હતો. કહેવાય છે કે રાજસ્થાનના ફ્રૅન્ચાઇઝીએ ટ્રેડ સંબંધમાં અન્ય કેટલીક ટીમો (હૈદરાબાદ, દિલ્હી, કોલકાતા, લખનઊ)નો પણ સંપર્ક કર્યો છે. રાજસ્થાન સૅમસનને અને ચેન્નઈ જાડેજાને છોડવા તૈયાર છે, પરંતુ બન્ને ટીમની પોતપોતાની શરત છે. જાડેજા આઇપીએલના સૌથી સફળ ઑલરાઉન્ડર્સમાં ગણાય છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 3,260 રન કરવા ઉપરાંત 170 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો…આ તારીખથી શરુ થશે IPL 2025ની સિઝન, 2026 અને 2027ની તારીખો પણ જાહેર



