હૈદરાબાદમાં સૅમસન-સૂર્યાની સુનામી, ભારતનો 297 રનનો વર્લ્ડ રેકૉર્ડ…
સૅમસને એક ઓવરમાં ફટકારી પાંચ સિક્સર: ભારતની ઇનિંગ્સમાં બાવીસ છગ્ગા અને પચીસ ચોક્કા
હૈદરાબાદ: અહીં શનિવારે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને છેલ્લી ટી-20માં ભારતીય બૅટર્સે ધમાલ મચાવી દીધી હતી. ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 297 રન બનાવ્યા હતા. આઇસીસી હેઠળના મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોમાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. ભારતે અફઘાનિસ્તાનનો આયરલૅન્ડ સામેનો 278/3નો પાંચ વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો છે. આ પહેલાં ભારત માટે 260/5નો સ્કોર હાઇએસ્ટ હતો જે પણ પાર થઈ ગયો છે. જોકે ભારતીય ટીમ 300 રનનો જાદુઈ આંકડો માત્ર ત્રણ રન માટે ચૂકી ગઈ હતી.
ક્રિકેટના નાના દેશોની પણ ગણતરી થાય તો નેપાલનો મોંગોલિયા સામેનો 314/3નો સ્કોર રેકૉર્ડ-બુકમાં મોખરે છે.
સંજુ સૅમસન (111 રન, 47 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર)એ પહેલી ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી. તેણે બાવીસ બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને 40મા બૉલ પર 100 રન પૂરા કર્યા હતા અને રોહિત શર્મા (2017માં શ્રીલંકા સામે 35 બૉલમાં સદી) પછીનો ભારતનો બીજા નંબરનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. તેની અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (75 રન, 35 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 173 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી.
ભારતની ઇનિંગ્સમાં કુલ બાવીસ સિક્સર અને પચીસ ફોર ફટકારવામાં આવી હતી.
એક તબક્કે સૅમસને રિશાદ હોસૈનની એક ઓવરમાં (ભારતની 10મી ઓવરમાં) ઉપરાઉપરી પાંચ બૉલમાં સિક્સર ફટકારી હતી. ઓવરમાં પ્રથમ બૉલ ડૉટ-બૉલ હતો.
2024ની આઇપીએલમાં ધમાલ મચાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદનો બૅટર અભિષેક ફકત ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સૅમસન-સૂર્યાની ફટકાબાજી બાદ રિયાન પરાગ (34 રન, 13 બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (47 રન, 18 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) તેમ જ રિન્કુ સિંહ (8 અણનમ, ચાર બૉલ, એક સિક્સર)એ પણ ફટકાબાજી કરીને ભારતનો સ્કોર 300 રનની નજીક પહોંચાડ્યો હતો. તેન્ઝિમે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.