એશિયા કપ પહેલાં સૅમસનની આતશબાજી, મોટા ભાઈની ટીમને વિજય અપાવ્યો

કોચીઃ આગામી એશિયા કપ માટેની ટીમમાં વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે સંજુ સૅમસન (Sanju Samson)ની પહેલાં જિતેશ શર્માની પસંદગી કરવામાં આવી છે અને કદાચ પોતાની કાબેલિયત પુરવાર કરવા તે (સૅમસન) કેરળ ક્રિકેટ લીગ (KCL)ની દરેક મૅચમાં ધમાકેદાર પર્ફોર્મ કરી રહ્યો છે. ગુરુવારે તેણે એવી જ એક ફટકાબાજી કરીને મોટા ભાઈ સૅલી સૅમસન (Saly Samson)ને શાનદાર વિજય અપાવ્યો હતો. સંજુ સૅમસનની ઇનિંગ્સ જોતાં તેને નવમી સપ્ટેમ્બરે શરૂ થતા એશિયા કપ માટેની પ્લેઇંગ-ઇલેવનની બહાર રાખતા પહેલાં ટીમ મૅનેજમેન્ટે ચાર વખત વિચાર કરવો પડશે.
કેસીએલમાં સૅમસન બંધુઓ કોચી બ્લૂ ટાઇગર્સ ટીમ વતી રમે છે જેમાં સૅલી સૅમસન કૅપ્ટન-ઑલરાઉન્ડર અને સંજુ સૅમસન ઓપનિંગ બૅટ્સમૅન છે. ગુરુવારે સંજુ સૅમસને 30 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 37 બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોરની મદદથી 62 રન કર્યા હતા. જોકે તેનો ભાઈ સૅલી ફક્ત નવ રન કરી શક્યો હતો.
સંજુ સૅમસન 30 વર્ષનો અને તેનો ભાઈ સૅલી સૅમસન 32 વર્ષનો છે. બંનેના દેખાવે એકસરખા છે. નાના ભાઈની જેમ સૅલી પણ આક્રમક બૅટ્સમૅન છે. કોચી બ્લૂ ટીમે પાંચ વિકેટે 191 રન કર્યા બાદ અદાણી ત્રિવેન્દ્રમ રૉયલ્સ ટીમ સંજીવ સાથરેસનના ઝમકદાર 70 રન છતાં 20 ઓવરમાં છ વિકેટે 182 રન કરી શકી હતી અને સૅલી સૅમસનની ટીમનો નવ રનથી રોમાંચક વિજય થયો હતો.
સંજુ સૅમસન અત્યાર સુધીમાં કેસીએલમાં એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. આ તમામ રન તેણે ઓપનર તરીકે કર્યા છે અને જોતાં જો તેને એશિયા કપમાં અભિષેક શર્માની સાથે ઓપનિંગમાં નહીં મોકલવામાં આવે તો સૅમસનના ચાહકો જરૂર નારાજ થશે.
આપણ વાંચો: સૅમસન પછી હવે અશ્વિને પણ અત્યારથી 2026ની આઇપીએલમાં હલચલ મચાવી છે! જાણો કેવી રીતે…