સ્પોર્ટસ

સંજુ સૅમસને ટી-20ના રૅન્કિંગમાં લગાવી ઊંચી છલાંગ

સેન્ચુરિયનઃ મર્યાદિત ઓવરો માટેની સિરીઝની ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનનો સમય હમણાં સારો ચાલી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની રવિવારની બીજી ટી-20માં તે ખાતું ખોલાવતાં પહેલાં જ આઉટ થઈ ગયો હતો, પરંતુ એ અગાઉ પ્રથમ મૅચમાં તેણે સદી ફટકારી હતી અને એ સાથે ત્યારે તે (ઑક્ટોબરમાં બાંગ્લાદેશ સામે હૈદરાબાદમાં ફટકારેલી સદી ગણતરીમાં લેતાં) ટી-20 ઇન્ટરનૅશનલમાં બૅક-ટુ-બૅક સેન્ચુરી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો હતો. દરમ્યાન સૅમસને આ લાજવાબ પર્ફોર્મન્સ બદલ ટી-20ના રૅન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝ શરૂ થતાં પહેલાં સૅમસન બૅટિંગના રૅન્કિંગમાં 66મા સ્થાને હતો. જોકે માત્ર બે મૅચ બાદ તે 27 ક્રમની છલાંગ લગાવીને હવે 39મા સ્થાને આવી ગયો છે. ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ પહેલા સ્થાને, ઇંગ્લૅન્ડનો ફિલ સૉલ્ટ બીજા સ્થાને અને સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો :સૅમસન આજે પણ સેન્ચુરી ફટકારશે એટલે આ નવો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે…

સૅમસને જો રવિવારની મૅચમાં સારું પર્ફોર્મ કર્યું હોત તો તેનું આ રૅન્કિંગ વધુ સારું થઈ શક્યું હોત. શુક્રવાર, આઠમી નવેમ્બરે ડરબનમાં તેણે 107 રન બનાવ્યા એ સાથે તેના રૅટિંગ પૉઇન્ટ વધીને 550 થઈ ગયા હતા.

જોકે રવિવારે તે ઝીરો પર આઉટ થઈ ગયો એટલે તેના પૉઇન્ટ ઘટીને 537 થઈ ગયા છે. સાઉથ આફ્રિકા સામેની બાકીની મૅચોમાં સારું રમીને તે ટૉપ-20માં આવી શકે એમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button