કોહલી વિશે માંજરેકરની આકરી ટિપ્પણી, `ટેસ્ટમાંથી જલદી વિદાય લીધી, પણ કેટલીક ભૂલ સુધારી પણ નહોતી’

મુંબઈઃ 2024માં ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી અને પછી 2025માં ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લેનાર વિરાટ કોહલી (VIRAT kOHLI) હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં બહુ સારા ફૉર્મમાં રમી રહ્યો છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન અને કૉમેન્ટેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) કોહલી વિશે કેટલીક ટિપ્પણી કરી છે જેમાં તેણે એક તરફ કહ્યું છે કે કોહલીએ ટેસ્ટમાંથી વહેલી વિદાય લઈ લીધી અને બીજી બાજુ તેણે તેની કેટલીક ભૂલ પણ બતાવી છે.
માંજરેકરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે ` કોહલીએ ટેસ્ટ ક્રિકેટને બહુ જલદી અલવિદા કરી દીધી. તેણે થોડો વધુ સંઘર્ષ કરવો જોઈતો હતો. જેમાં ઇંગ્લૅન્ડનો જૉ રૂટ નવા રેકૉર્ડ બનાવી રહ્યો છે એ જ તબક્કામાં કોહલીએ ટેસ્ટને ગુડબાય કરી એ મને બહુ ખૂંચે છે. આ એ તબક્કો છે જેમાં કોહલીના સમકાલીન ખેલાડીઓ રૂટ ઉપરાંત સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન ટેસ્ટ કરીઅરને વધુ મજબૂત બનાવી રહ્યા છે.’
માંજરેકરના મંતવ્ય મુજબ કોહલીએ સંન્યાસ અગાઉના પાંચ વર્ષમાં સતત ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેણે બૅટિંગ-ટેક્નિક અને માનસિક રીતે કહેવાય એવી ખામીઓ પૂર્ણપણે સુધારવાની કોશિશ નહોતી કરી. માંજરેકરે એવું પણ કહ્યું છે કે ` કોહલી ધારત તો ટેક્નિક અને મનોબળ વધારવા પર કામ કરી શક્યો હોત અને થોડો સમય ટીમની બહાર બેસવાનું પણ પસંદ કરી શક્યો હોત. મને વધુ નિરાશા એ છે કે તેણે ટેસ્ટ-ક્રિકેટ છોડીને વન-ડે રમવાનું ચાલુ રાખ્યું છે.’
માંજરેકર એવું પણ જણાવે છે કે ` ટૉપ-ઑર્ડર બૅટ્સમૅન માટે વન-ડે સૌથી આસાન ફૉર્મેટ છે, અસલી પરીક્ષા ટેસ્ટ-ક્રિકેટ લેતી હોય છે જેમાં ધૈર્ય, ટેક્નિક અને મનોબળ હોવું જોઈએ. ટી-20ના પોતાના અલગ જ પડકારો છે, પણ ટેસ્ટ સૌથી કઠિન છે. કોહલીએ ત્રણેય ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોત તો સમજી શકાત, પરંતુ ટેસ્ટ છોડીને વન-ડે રમવાનું ચાલુ રાખ્યું એ મને ઠીક નથી લાગ્યું. કોહલીની ફિટનેસ બહુ જ સારી છે એટલે તે થોડા વધુ વર્ષ ટેસ્ટમાં ફૉર્મ પાછું મેળવવા માટેની લડાઈ લડી શક્યો હોત.’

2020થી 2025 સુધીમાં કોહલીનું ટેસ્ટમાં પ્રદર્શન સારું નહોતું. આ સમયગાળામાં તેણે 39 ટેસ્ટમાં 30.72ની સરેરાશે 2,028 રન કર્યા હતા જેમાં ત્રણ સેન્ચુરી અને નવ હાફ સેન્ચુરી સામેલ હતી. છેલ્લા થોડા વખતથી સ્ટમ્પની બહારના બૉલમાં રમવામાં તેની નબળાઈ છતી થઈ ગઈ હતી જેનો હરીફ ટીમના બોલર્સ ફાયદો લેતા હતા. ઑસ્ટ્રેલિયામાં છેલ્લે રમેલી સિરીઝમાં તે નવ ઇનિંગ્સમાં ફક્ત 190 રન કરી શક્યો હતો. સ્કૉટ બૉલેન્ડે તેને પાંચ વખત આઉટ કર્યો હતો. તેણે એકંદરે 123 ટેસ્ટમાં કુલ 30 સદીની મદદથી 9,230 રન કર્યા હતા.
માંજરેકરનું સ્પષ્ટપણે માનવું છે કે કોહલી જેવા મહાન ખેલાડી પાસેથી ટેસ્ટમાં વધુ સંઘર્ષની તેમને આશા હતી. ટેસ્ટમાંથી તેની વહેલી નિવૃત્તિ આ ફૉર્મેટ માટે નુકસાન છે.
આ પણ વાંચો…માંજરેકરે સાત રનમાં વિકેટ ગુમાવનાર વિરાટની ખામી બતાવતાં કહ્યું કે `જ્યાં સુધી તે…’



