અરે, આ શું! માંજરેકરે રિષભ પંત પરની ચર્ચામાં મિયાંદાદનું નામ કેમ લીધું?
પંતે સેક્નડ ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીના ભારતીય વિક્રમની સાથે 5,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા

સિડનીઃ આક્રમક બૅટર રિષભ પંતે આજે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટના બીજા દિવસે બૅટિંગમાં આવતાવેંત ધમાલ મચાવી દીધી હતી અને ઑસ્ટ્રેલિયન બોલર્સને ઊંઘતા ઝડપી લીધા હતા તેમ જ બાકીના તમામ લોકોને ચોંકાવી દીધા હતા અને પંતના આ ઓચિંતા પાવર પાછળના સંભવિત રહસ્ય વિશેની ચર્ચામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે પાકિસ્તાનના ભૂતપૂર્વ બૅટર જાવેદ મિયાંદાદનું નામ લઈને દર્શકો-શ્રોતાઓને ચોંકાવી દીધા હતા. પંતે પહેલા દાવમાં પાંચ પ્રકારની ઈજા થવા છતાં ક્રીઝમાં ઊભા રહીને લડત જાળવી રાખી હતી અને બહમૂલ્ય 40 રન બનાવ્યા હતા, જ્યારે આજે બીજા દાવમાં 47 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 33 બૉલમાં ચાર સિક્સર અને છ ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. 14મી ઓવરમાં 59 રનના સ્કોર પર વિરાટ કોહલીની ત્રીજી વિકેટ પડી ત્યારે પંત બૅટિંગમાં આવ્યો હતો. વિરાટની પ્રાઇઝ વિકેટ લઈને સ્કૉટ બૉલેન્ડ વધુપડતા જોશમાં હતો, પરંતુ પંતે તેનો ફુગ્ગો ફોડી નાખ્યો હતો. પંતે પોતાના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી હતી. તેણે બૉલ મિડ-ઑન પરથી સીધો મેદાનની બહાર મોકલી દીધો હતો.
મૅચ પર સ્પેશિયલ કમેન્ટ્સ આપી રહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરને ભૂતપૂર્વ શ્રીલંકન પ્લેયર રસેલ આર્નોલ્ડે બોલરને પહેલા જ બૉલથી જડબાતોડ જવાબ આપવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે માંજરેકરે તેને કહ્યું, `જાવેદ મિયાંદાદ જ્યારે બૅટિંગ કરવા આવતો ત્યારે મન હળવું કરવા માટે હરીફ ખેલાડીઓ સાથે અથવા સાથી બૅટર સાથે થોડી વાતચીત કરી લેતો હતો. રિષભ પંતને મનની મૂંઝવણ કે તંગદિલીમાંથી બહાર આવવા ઇનિંગ્સના પહેલા જ બૉલને જોરદાર ફટકારવાનું બહુ ગમે છે. તે પોતાના દાવની શરૂઆતમાં જ ચોક્કો કે છગ્ગો ફટકારવાનું પસંદ કરતો હોય છે.’
Also read: રિષભ પંતને પચાસ મિનિટમાં પાંચ વખત ઈજા થઈ છતાં રમતો રહ્યો!
પંતે આજે 29 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને 28 બૉલમાં 50 રન બનાવવાના પોતાના જ ભારતીય વિક્રમ પછી બીજું સ્થાન નોંધાવ્યું હતું. દરમ્યાન, પંતે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5,000 રન પૂરા કર્યા હતા. 150 ઇન્ટરનૅશનલ મૅચમાં તેના નામે 5,028 રન છે જેમાં સાત સેન્ચુરી અને 23 હાફ સેન્ચુરી સામેલ છે.