સાનિયા મિર્ઝા હવે આ દેશ માટે કરશે કામ, હરભજનને પણ મળી મોટી જવાબદારી
દુબઈઃ ભારતની ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ હવે નવી ભૂમિકામાં જોવા મળશે. બન્નેને દુબઈમાં અગત્યની જવાબદારી સોંપવામાં આવી રહી છે.
પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે તલાક લઈ ચૂકેલી સાનિયાએ ટેનિસમાંથી સંન્યાસ લીધો એને ઘણા મહિના વીતી ગયા છે. જોકે તે હજી પણ સક્રિય છે.
સાનિયાને દુબઈની સ્પોર્ટસ ઍમ્બેસેડર બનાવવામાં આવી છે. તે દુબઈમાં ખેલકૂદનો વધુ ફેલાવો કરવા માટે કામ કરશે. તેની સાથે-સાથે હરભજનને પણ આ જવાબદારી મળી છે.
તાજેતરમાં દુબઈમાં સાનિયા અને ભજ્જી માટે ખાસ ઇવેન્ટ રાખવામાં આવી હતી. આ ઇવેન્ટમાં દુબઈના ઘણા ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહેમાનો હાજર હતા.
સાનિયા મૂળ હૈદરાબાદની છે, પરંતુ વારંવાર દુબઈ આવે છે. એવું માનવામાં આવે છે કે શોએબ મલિક સાથેના લગ્નજીવન દરમ્યાન તે દુબઈમાં ઘણો સમય રહી હતી.
આ પણ વાંચો : ‘મારા સ્મિતનું કારણ તમે જ છો’, સાનિયા મિર્ઝાએ શેર કરી તસવીર તો શોએબ મલિકે પણ આપ્યો જવાબ!
સાનિયાએ દુબઈમાં પ્રોપર્ટી પણ લઈ રાખી છે. હવે તે આ શહેરમાં રમતગમતને પ્રોત્સાહન આપવા તેમ જ વધુ લોકોને ખેલકૂદ તરફ વાળવા પ્રેરિત કરશે.
સાનિયા 37 વર્ષની છે. તે ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સિંગલ્સમાં વધુમાં વધુ ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી. જોકે ડબલ્સમાં તે છ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી. તેની પાસે એશિયન ગેમ્સના બે ગોલ્ડ મેડલ તથા કૉમનવેલ્થ ગેમ્સનો એક સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ છે.
હરભજન સિંહ 44 વર્ષનો છે. તેણે 1998થી 2016 સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમ્યાન કુલ 700થી વધુ વિકેટ લીધી હતી તેમ જ 3,500થી વધુ રન બનાવ્યા હતા.