જયપુર: આસામના ગુવાહાટીમાં જન્મેલો રિયાન પરાગ આઇપીએલની વર્તમાન સીઝનના ટૉક ઑફ ધ ટાઉન પ્લેયર્સમાંનો એક છે. રાજસ્થાન રૉયલ્સના આ મિડલ-ઑર્ડર બૅટરે 43, અણનમ 84, અણનમ 54, 4 અને 76 રનની ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી દીધી છે. આ રાઇટ-હૅન્ડ બૅટરના આ સીઝનમાં 261 રન છે અને વિરાટ કોહલી (મુંબઈની મૅચ પહેલાં કુલ 316 રન) પછી બીજા નંબરે છે.
બુધવારે ગુજરાત ટાઇટન્સને જો રાશીદ ખાન અને રાહુલ તેવટિયાની જોડીએ વિજય ન અપાવ્યો હોત તો બાવીસ વર્ષનો રિયાન જરૂર ફરી હીરો બની ગયો હોત, કારણકે તેણે રાજસ્થાન વતી 48 બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 76 રન બનાવ્યા હતા તેમ જ કૅપ્ટન સંજુ સૅમસન (38 બૉલમાં 68 રન) સાથે 130 રનની ભાગીદારી કરી હતી.
ALSO READ : સૅમસન-પરાગની 130 રનની ભાગીદારી, રાજસ્થાનના ત્રણ વિકેટે 196 રન
શ્રીલંકાના ક્રિકેટ-લેજન્ડ અને રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીના ડિરેકટર કુમાર સંગકારાએ રિયાનના ભરપૂર વખાણ કરવાની સાથે તેના માટે થોડી સલાહ પણ આપી છે.
સંગકારાએ કહ્યું છે, ‘પરાગમાં કેટલી કાબેલિયત અને ક્ષમતા છે એ બધાની નજર સામે જ છે. મારી સલાહ છે કે રિયાને હમણા માત્ર રાજસ્થાન વતી પર્ફોર્મ કરવા પર જ બધુ ધ્યાન આપવું જોઈએ, બીજું બધુ ભૂલી જવું જોઈએ. બીજું, જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં તેનો સમાવેશ થશે કે નહીં થાય એના પરની ચર્ચાને તેણે જરાય ધ્યાનમાં ન લેવી જોઈએ અને માત્ર આઇપીએલમાંના પર્ફોર્મન્સ પર જ લક્ષ આપવું જોઈએ. કોઈએ પણ ભવિષ્યનો વિચાર કરતી વખતે વર્તમાનને ન ભૂલવું જોઈએ. તે અથાક મહેનત કરશે, સારી બૅટિંગ કરતો રહેશે અને રમવા પર બીજી બધી રીતે પૂરતું ધ્યાન આપશે તો બીજું બધુ સામે ચાલીને તેની સમક્ષ આવી જશે.’