બુમરાહના 4,484 બૉલમાં પહેલી જ સિક્સર ગઈ! કોણ છે એ જાંબાઝ બૅટર?

મેલબર્ન: વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફરી એક વાર બોર્ડર-ગાવસકર ટ્રોફી સિરીઝની નવી ટેસ્ટમાં (બૉકસિંગ-ડે ટેસ્ટમાં) અસરદાર બોલિંગ કરી, પરંતુ ઑસ્ટ્રેલિયાના 19 વર્ષની ઉંમરના નવા ટીનેજ ઓપનર સૅમ કૉન્સટેસે બુમરાહ સામે જ કરીઅરની ધમાકેદાર અને ઐતિહાસિક શરૂઆત કરી.
માત્ર 11 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 700થી વધુ રન બનાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર રાઈટ-હૅન્ડ બૅટર કૉન્સટેસની મૂંછનો હજી માંડ દોરો ફૂટ્યો છે ત્યાં તેણે વર્તમાન ક્રિકેટના બેસ્ટ બોલર બુમરાહને પડકાર્યો અને એમાં તેણે સફળતા પણ મેળવી. કૉન્સટેસે બુમરાહના બૉલમાં સિક્સર ફટકારી જે ઇતિહાસમાં લખાઈ ગઈ. 2021ની સાલથી માંડીને અત્યાર સુધીમાં બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં જે 4,483 બૉલ ફેંક્યા એમાં એકેય બૅટર સિક્સર નહોતો ફટકારી શક્યો, પણ કૉન્સ્ટેસે બુમરાહના 4,484મા બૉલમાં સિક્સર ફટકારીને પોતાની તાકાત દેખાડી દીધી હતી.
કૉન્સટેસ 65 બૉલમાં બે સિક્સર અને છ ફોરની મદદથી બનેલા બહુમૂલ્ય 60 રન બનાવીને આઉટ થયો હતો. બાવન બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરનાર કૉન્સટેસે ઉસમાન ખ્વાજા (57 રન, 121 બૉલ, છ ફોર) સાથે 89 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.
કૉન્સટેસે ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની સાતમી ઓવર જે બુમરાહે કરી હતી એના એક બૉલમાં સ્કૂપ શૉટમાં શાનદાર સિક્સર મારી દીધી હતી.
એ સાથે, ટેસ્ટમાં બુમરાહના 4,484 બૉલમાં પહેલી વાર સિક્સર ફટકારાતી જોવા મળી હતી.
બુમરાહની એ ઓવરમાં 14 રન બન્યા હતા અને થોડી વાર બાદ બુમરાહે ફરી એક વાર કૉન્સટેસનું પાવર-હિટિંગ જોવું પડ્યું હતું. 11મી ઓવરમાં બે ફોર અને એક સિક્સર સાથે 19 રન બન્યા હતા અને કૉન્સટેસ છવાઈ ગયો હતો.
જોકે કૉન્સટેસનું રવીન્દ્ર જાડેજા સામે કંઈ નહોતું ચાલ્યું. જાડેજાએ તેને એલબીડબલ્યૂમાં પૅવિલિયન ભેગો કરી દીધો હતો અને પછીથી બુમરાહે ઑસ્ટ્રેલિયન ટીમનો ધબડકો બોલાવ્યો હતો.