નીરજ ચોપડાના મુદ્દે સાઇના નેહવાલ કેમ ટ્રૉલ થઈ?
નવી દિલ્હી: ઘણી વાર એવું બને છે કે સામાન્ય ખેલકૂદપ્રેમીને ઘણી ખબર હોય છે, પણ રમતના મેદાન પર વર્ષોથી સક્રિય હોય એવા કોઈક ખેલાડીને સાધારણ બાબતનું જ્ઞાન નથી હોતું. એમાં પણ જો કોઈ સેલિબ્રિટી કંઈક વિચાર્યા વગર બોલી નાખે તો ટ્રૉલ થયા વિના રહે નહીં. બૅડ્મિન્ટન ક્વીન સાઇના નેહવાલના કિસ્સામાં આવું જ બન્યું. નીરજ ચોપડા 2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં જવેલિન થ્રો (ભાલાફેંક)ની હરીફાઈમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો એ પહેલાં પોતાને ભાલાફેંકની હરીફાઈ ઑલિમ્પિક્સમાં હતી એની જાણ જ નહોતી એવું સાઇના બોલી એટલે નેટ-યુઝર્સે તેને ટ્રૉલ કરી નાખી.
કોઈ રમતની ટોચની ખેલાડી અન્ય જાણીતી રમત વિશે આટલું પાયાનું જ્ઞાન પણ ન ધરાવે એ નવાઈ કહેવાય.
સાઇના તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એવું બોલી કે ‘નીરજ ચોપડા ટોક્યો ઑલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીત્યો ત્યારે મને ખબર પડી કે ઑલિમ્પિક્સના ઍથ્લેટિક્સમાં આવી કોઈ રમત પણ સામેલ છે. આપણે કંઈક પ્રત્યક્ષ જોઈએ ત્યારે જ એના વિશેની જાણકારી મળતી હોય છે, ખરુંને? તમે જ્યાં સુધી જુઓ જ નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડે! મને ભાલાફેંક વિશે કંઈ ખબર જ નહોતી. સાચું કહું છું, મને કંઈ જ ખબર નહોતી.’
આ પણ વાંચો : …તો રિસ્તા પક્કા:, મનુ ભાકર અને નીરજ ચોપરાની માતાની મુલાકાતનો વીડિયો વાઈરલ…
સાઇનાએ પોતાની આ અજ્ઞાનતા વિશેનું કારણ પણ બતાડ્યું હતું. તેણે કહ્યું, ‘ઍથ્લેટિક્સમાં જ ઘણા પ્રકારની રમતો હોય છે. હરીફાઈના પરિણામો આવ્યા ત્યારે મને જાણ થઈ કે ઑલિમ્પિક્સમાં આ (ભાલાફેંક) રમત રમાતી પણ હોય છે. મને ખાતરી છે કે ઘણા લોકો અગાઉ બૅડમિન્ટનથી અજાણ હશે. પ્રકાશ સર (પ્રકાશ પાદુકોણ) કોણ એ હું પોતે એક સમયે નહોતી જાણતી. એવું નથી કે તમે કંઈ જાણવા નથી માગતા હોતા. પોતપોતાના કામમાં અને પોતાના ક્ષેત્રમાં વ્યસ્ત રહેતા હો એટલે બધી જાણ ન પણ હોય.’
સાઇના ત્રણ વાર ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકી છે. 2012ની ઑલિમ્પિક્સમાં તે બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તે પદ્મશ્રી અને પદ્મભૂષણ અવૉર્ડ જીતી ચૂકી છે. 2020માં તે ભાજપમાં જોડાઈ હતી.
સાઇનાના આ વિચારો વાઇરલ થતાં જ સોશિયલ મીડિયામાં તે ટ્રૉલ થવા લાગી હતી. એક નેટ યુઝરે લખ્યું, ‘સાઇના નેહવાલ જેવી દિગ્ગજ ખેલાડી આવું બોલે એટલે નવાઈ લાગે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘એ તો ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝા જેવું જ નામ હોવાને કારણે આખું ભારત સાઇના નેહવાલને ઓળખતા થયા હતા.’