ડિવૉર્સ લેનાર સાઇનાએ ફેબ્રુઆરીમાં કહેલું, ` મને પ્રેમ કરતાં બૅડમિન્ટનની રમત વધુ વહાલી છે’
ભારતની એક સમયની ટોચની ખેલાડીએ પારુપલ્લી કશ્યપ સાથે છૂટાછેડા લઈ લીધા

હૈદરાબાદઃ ભારતની એક સમયની ટોચની બૅડમિન્ટન ખેલાડી અને લંડન ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ તથા વર્લ્ડ ચૅમ્પિયનશિપના બે ચંદ્રક સહિત નાની-મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કુલ 19 મેડલ જીતનાર સાઇના નેહવાલે (Saina nehwal) પતિ પારુપલ્લી કશ્યપ (kashyap) સાથે છૂટાછેડા લઈ લીધા હોવાની જાહેરાત કરીને અસંખ્ય બૅડમિન્ટન ચાહકોને ચોંકાવી દીધા છે. સાઇનાએ પાંચ મહિના પહેલાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેને રિલેશનશિપ કરતાં બૅડમિન્ટનની રમત વધુ પસંદ છે.
છ વર્ષના લગ્નજીવન પર બન્નેએ સહમતીથી પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભારતીય બૅડમિન્ટન-લેજન્ડ પુલેલા ગોપીચંદની ઍકેડેમીમાં સાથે તાલીમ લેનાર સાઇના-કશ્યપે 2018માં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: લગ્નના સાત વર્ષ બાદ સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ અલગ થયા..
ફેબ્રુઆરીમાં સાઇનાને એક મુલાકાતમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તમને પ્રેમ અને રમતગમત, બેમાંથી એકની પસંદગી કરવામાં આવે તો તમે કોને પસંદ કરશો?’ એના જવાબમાં સાઇનાએ કહેલું, પ્રેમ અને ઉચ્ચ સ્તરનું પ્રોફેશનલ બૅડમિન્ટન, આ બેમાંથી હું વિચાર કર્યા વગર બૅડમિન્ટનને જ પહેલાં પસંદ કરું. ઑલ્વેઝ, ગેમ ફર્સ્ટ.’
સાઇનાએ એ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે ` હું પાંચ-છ વર્ષની હતી ત્યારે બૅડમિન્ટન સહિતની રમતો રમતી અને સ્વિમિંગ કરવા જતી હતી. હું ત્યારથી સ્પોર્ટી હતી. બીજા લોકો વિશે કે મારી ઉંમરના મિત્રો વિશે ખાસ કંઈ વિચારતી જ નહોતી. સ્પોર્ટ્સમાં કેવી રીતે બેસ્ટ પર્ફોર્મ કરવું એનો જ વિચાર કર્યા કરતી હતી. પંદર વર્ષની થઈ ત્યાં સુધીમાં હું ટ્રેઇનર કે ફિઝિયોથેરપિસ્ટ વિના ઘણી સ્પર્ધાઓ જીતી હતી. હું મારી સાથેની એ સખ્તાઈને લીધે આજે સાઇના નેહવાલ છું. હું દુનિયાની કોઈ પણ બાબતો ભૂલીને સૌથી પહેલાં મારા દેશ વિશે વિચારું છું.’
આ પણ વાંચો: ‘ઑલિમ્પિક કે લિયે લાયક તો બનો’…આવું સાઇના નેહવાલે કોને કેમ સંભળાવી દીધું?
સાઇનાનો આ પાંચ મહિના જૂનો ઇન્ટરવ્યૂ તેના ડિવૉર્સ (Divorce)ના પગલે ઇન્ટરનેટ પર ફરી વાઇરલ થયો છે.