બીસીસીઆઇના સેક્રેટરી અને ખજાનચીની નિયુક્તિ નક્કી થઈ ગઈઃ જાણો કોણ-કોણ સંભાળશે હોદ્દા…

મુંબઈઃ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરીપદે પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ જય શાહ 36 વર્ષની ઉંમરે તાજેતરમાં જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના યંગેસ્ટ ચૅરમૅન બન્યા ત્યાર બાદ બીસીસીઆઇમાં તેમનો ખાલી પડેલો હોદ્દો થોડા જ દિવસમાં ભરાઈ જશે, કારણકે કાર્યવાહક સેક્રેટરી દેવાજિત સૈકિયા બોર્ડના સેક્રેટરીપદ માટે અરજી કરી છે. બોર્ડના ખજાનચીના હોદ્દા પર પ્રભતેજ ભાટિયા આવશે એ પણ લગભગ નક્કી છે.
સૈકિયા અને ભાટિયા, બન્નેએ પોતપોતાના જે હોદ્દા માટે અરજી કરી છે એ માટે બીજા કોઈની અરજી ન આવી હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાશે.
આ પણ વાંચો: બીસીસીઆઇના નવા સેક્રેટરી કોણ? ગુજરાતના અનિલ પટેલ, રોહન જેટલી સહિત ત્રણ નામ બોલાય છે
આશિષ શેલારે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારમાં કૅબિનેટના પ્રધાન તરીકેના હોદ્દા માટે શપથ લીધા એટલે બીસીસીઆઇના ખજાનચીપદે તેમનો હોદ્દો ખાલી પડતાં છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ સંઘના ભાટિયાએ અરજી કરી હતી.
બીજી તરફ, સૈકિયા પહેલી ડિસેમ્બરથી જય શાહના સ્થાને કાર્યવાહક સેક્રેટરીપદ સંભાળી રહ્યા છે. જય શાહના સ્થાને બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીએ સૈકિયાની નિયુક્તિ કરી હતી.
બીસીસીઆઇની વેબસાઇટ પરની માહિતી મુજબ ઉમેદવારીપત્રક શનિવાર, ચોથી ડિસેમ્બરે સાંજે 4.00 વાગ્યા સુધીમાં ભરવાનું હતું અને સૂત્રોના જણાવ્યા અનુસાર સૈકિયા તથા ભાટિયાએ અરજી કરી દીધી છે.