સાઇ સુદર્શન ડેબ્યૂ ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થનાર ભારતનો પ્રથમ વનડાઉન બૅટ્સમૅન…

લીડ્સઃ ટેસ્ટ-ક્રિકેટ રમવાનું બૅટ્સમૅન સાઇ સુદર્શન (SAI SUDARSHAN)નું વર્ષોનું સપનું હતું જે શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ (England) સામેની પ્રથમ ટેસ્ટ સાથે પરિપૂર્ણ થયું અને તેણે ગૌરવપૂર્ણ ટેસ્ટ કૅપ પીઢ ક્રિકેટર અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા ચેતેશ્વર પુજારાના હસ્તે મેળવી હતી, પરંતુ સુદર્શન માટે આ ડેબ્યૂ નિરાશાજનક રહ્યું. ભારતનો બૅટ્સમૅન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યા બાદ ત્રીજા નંબર (one down)પરની બૅટિંગમાં શૂન્યમાં આઉટ થયો એવું ભારતના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત બન્યું છે.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટના પ્રશંસનીય પર્ફોર્મન્સ બાદ તાજેતરની આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી 15 મૅચમાં 759 રન કર્યા હતા એને આધારે તેને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો છે. તે પોતાના ચોથા જ બૉલમાં હરીફ ટીમના સુકાની બેન સ્ટૉક્સને વિકેટ આપી બેઠો હતો. વિકેટકીપર જૅમી સ્મિથે તેનો કૅચ ઝીલ્યો હતો.
સ્ટૉક્સના લેગ-સ્ટમ્પ પરના બૉલને સુદર્શન ફ્લિક કરવા ગયો હતો, પણ તેનું ટાઇમિંગ સારું નહોતું જેને કારણે બૉલ તેના બૅટની ધારને લાગ્યા બાદ વિકેટકીપર તરફ ગઈ હતી જેણે કૅચ ઝીલવામાં કોઈ જ ભૂલ નહોતી કરી. સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ-ક્રિકેટર બન્યો છે. જોકે તેના માટે શરૂઆત સારી નથી રહી. ડેબ્યૂ ઇનિંગ્સમાં ભારતનો ટૉપ-થ્રીમાં બૅટિંગ કરનાર બૅટ્સમૅન ઝીરો (ZERO)માં આઉટ થયો હોય એવું ત્રીજી વખત બન્યું છે. ક્રિષ્નામાચારી શ્રીકાંત (1981માં) અને દેવાંગ ગાંધી (1999માં) ટેસ્ટની ઓપનિંગ ઇનિંગ્સમાં ઓપનિંગમાં શૂન્યમાં આઉટ થયા હતા. એકંદરે, સુદર્શન ડેબ્યૂ ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થનાર ભારતનો 29મો પ્લેયર છે.
ડેબ્યૂ ટેસ્ટના દાવમાં શૂન્ય પર આઉટ થનાર ભારતીયો
1 | ચંદુ સરવટે | 1946 |
2 | જેની ઇરાની | 1947 |
3 | એસ. એ. બૅનર્જી | 1948 |
4 | ગુલામ અહમદ | 1948 |
5 | સુભાષ ગુપ્તે | 1951 |
6 | ગુલાબરાય રામચંદ | 1952 |
7 | જસુભાઈ પટેલ | 1955 |
8 | મનોહર હાર્ડિકર | 1958 |
9 | વેન્કટપ્પા મુથૈયા | 1959 |
10 | મનમોહન સૂદ | 1960 |
11 | ભાગવત ચંદ્રશેખર | 1964 |
12 | ઉમેશ કુલકર્ણી | 1967 |
13 | એકનાથ સોલકર | 1969 |
14 | ગુંડપ્પા વિશ્વનાથ | 1969 |
15 | ધીરજ પરસાણા | 1979 |
16 | કૃષ્ણમાચારી શ્રીકાંત | 1981 |
17 | મનિન્દર સિંહ | 1982 |
18 | રાશીદ પટેલ | 1988 |
19 | વિવેક રાઝદાન | 1989 |
20 | એબી કુરુવિલા | 1997 |
21 | વિજય ભારદ્વાજ | 1999 |
22 | દેવાંગ ગાંધી | 1999 |
23 | રૉબિન સિંહ | 1999 |
24 | અજય રાત્રા | 2002 |
25 | પાર્થિવ પટેલ | 2002 |
26 | વૃદ્ધિમાન સાહા | 2010 |
27 | આર. અશ્વિન | 2011 |
28 | ઉમેશ યાદવ | 2011 |
29 | સાઇ સુદર્શન | 2025 |