શ્રીલંકાએ અસલંકાની કૅપ્ટન્સી કેમ છીનવી? World Cup માટે કેમ શનાકાને સુકાની બનાવ્યો?

કોલંબોઃ આગામી ફેબ્રુઆરીના મેન્સ ટી-20 વર્લ્ડ કપના ભારત ઉપરાંતના બીજા યજમાન શ્રીલંકાએ પચીસ ખેલાડીઓના નામ સાથેની કામચલાઉ સ્ક્વૉડ જાહેર કરી છે અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડનો સૌથી મોટો ફેરફાર એ છે કે કૅપ્ટનપદેથી ચરિથ અસલંકાને હટાવી દેવામાં આવ્યો છે અને દાસુન શનાકાને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી છે જે માટેના કારણો પણ બહાર આવ્યા છે.
પ્રમોદયા વિક્રમાસિંઘે ફરી શ્રીલંકાના ચીફ સિલેક્ટર બન્યા છે અને તેમણે કહ્યું છે કે અસલંકાની બૅટિંગ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને ઑલરાઉન્ડર શનાકાને પાછલા ત્રણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ છે એટલે કૅપ્ટન્સીની બાબતમાં અમે આ મોટા ફેરફાર કર્યા છે.

ગયા મહિને શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ એ પહેલાં ઇસ્લામાબાદમાં નવ જણનો જીવ લેનાર આત્મઘાતી બૉમ્બ બ્લાસ્ટ થવાને પગલે અસલંકાએ અસલામતીના કારણસર પાકિસ્તાનની ટૂર પર જવાની ના પાડી હતી એટલે એવું મનાતું હતું કે અસલંકા શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં અપ્રિય થઈ ગયો છે. જોકે વિક્રમાસિંઘેએ પત્રકારોને શુક્રવારે કહ્યું, ` મને આશા છે કે અસલંકા હેડ-કોચ સનથ જયસૂર્યા સાથેની સલાહ મસલતથી પોતાનું બૅટિંગ ફૉર્મ પાછું સુધારી લેશે.’
વર્લ્ડ કપ માટેના શ્રીલંકાના પચીસ સંભવિત ખેલાડીઓઃ
દાસુન શનાકા (કૅપ્ટન), પથુમ નિસન્કા, કુસાલ મેન્ડિસ, કામિલ મિશારા, કુસાલ પરેરા, ધનંજય ડિસિલ્વા, નિરોશાન ડિકવેલા, જેનિથ લિયાનાગે, ચરિથ અસલંકા, કામિન્ડુ મેન્ડિસ, પવન રત્નાયકે, સહાન આરાચ્ચીગે, વનિન્દુ હસરંગા, દુનિથ વેલાલાગે, મિલન રત્નાયકે, નુવાન થુશારા, એશાન મલિન્ગા, દુશ્મંથા ચમીરા, પ્રમોદ મદુશાન, મથીશા પથિરાના, દિલશાન મદુશન્કા, માહીશ થીકશાના, દુશાન હેમંથા, વિજયકાન્ત વિયાસકાન્ત અને ત્રવીન મૅથ્યૂ.



