સ્પોર્ટસ

ગિલને સચિનની સલાહ, ` લોકો તો કહેશે કે આ કર ને પેલું કર, પણ તું તારા નિર્ણયોને વળગી રહેજે’

ટેસ્ટ ટીમના નવા સુકાની વિશે અન્ય દિગ્ગજોનું શું માનવું છે

નવી દિલ્હી/લીડ્સઃ ઇંગ્લૅન્ડ સામે શુક્રવાર, 20મી જૂને (બપોરે 3.30 વાગ્યાથી) શરૂ થઈ રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ પહેલાં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે (Sachin Tendulkar) નવા સુકાની શુભમન ગિલ (Shubhman Gill) વિશે એક મુલાકાતમાં કહ્યું છે કે ભારતીય ક્રિકેટ ખૂબ જ મુશ્કેલ પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહ્યો છે અને આવા સમયે ગિલને નેતૃત્વની જે જવાબદારી મળી છે એમાં સફળ થવા માટે તેને પૂરતો સમય આપવો જોઈએ તેમ જ તેને પૂરો સપોર્ટ પણ મળવો જરૂરી છે. સચિને આવું કહેવાની સાથે ગિલ માટેની સલાહમાં કહ્યું છે કે ડ્રેસિંગ-રૂમની બહારના મંતવ્યો પર વિચારવાને બદલે તેણે પોતાની યોજનાઓ પર જ બધુ ધ્યાન આપવું જોઈએ.’ પચીસ વર્ષનો શુભમન ગિલ ભારતનો 37મો ટેસ્ટ-કૅપ્ટન છે. તે દેશનો પાંચમા નંબરનો સૌથી યુવાન સુકાની (captain) છે. ભારતની ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટ રમાશે અને એ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી સીઝનાં પ્રવેશ કરશે.

સાઉથ આફ્રિકા ડબ્લ્યૂટીસીનું વર્તમાન ચૅમ્પિયન છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિનની નિવૃત્તિ પછીની ભારતની આ પ્રથમ ટેસ્ટ-શ્રેણી છે. ઇંગ્લૅન્ડમાં પાંચ ટેસ્ટ-સિરીઝ રમનાર સચિને પીટીઆઇને જણાવ્યું કે ભારતીય ટીમનું સુકાન સંભાળવું ખૂબ જ માનસિક દબાણવાળી જવાબદારી છે. મને ખબર છે કે ગિલ માટે ઘણા લોકો જાત જાતની સલાહ આપશે. તેણે આવું કરવું જોઈએ અને તેવું કરવું જોઈએ એવું બધુ કહેવામાં આવશે. જોકે શુભમને પોતાના પ્લાનિંગ પર જ લક્ષ આપીને ટીમના હિતમાં જે હોય એ પ્રમાણે આગળ વધવું જોઈએ. કોઈક કહેશે કે ગિલ વધુ પડતો આક્રમક છે અને કોઈ કહેશે કે તે ડિફેન્સિવ અપ્રોચવાળો છે. લોકો તો આવું બધું કહેશે, પરંતુ શુભમને ડ્રેસિંગ રૂમમાં જે બનતું હોય, જે ચર્ચા થતી હોય એને આધારે નિર્ણયો લેવા જોઈએ.’

શુભમન ગિલની કૅપ્ટન્સી વિશે અન્યોમાં કોણ શું કહે છેઃ

રવિ શાસ્ત્રી (ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન): શુભમન ગિલ માટે ટેસ્ટનું સુકાન સંભાળવું આસાન નહીં હોય અને એ ક્યારેય સહેલું હોતું પણ નથી. જોકે તેણે ધૈર્ય રાખવું પડશે. તેને ઘણું શીખવા પણ મળશે. આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સની કૅપ્ટન્સી તેણે મગજ ખૂબ જ શાંત રાખીને સંભાળી હતી અને તેની કૅપ્ટન્સીમાં મૅચ્યૉરિટી દેખાતી હતી. તેનું મનોબળ ઘણું સારું છે.

ગૅરી કર્સ્ટન (ભારતના ભૂતપૂર્વ કોચ): મને લાગે છે કે શુભમન ગિલ ગ્રેટ લીડર પુરવાર થશે. તે સ્માર્ટ ક્રિકેટર છે. ક્રિકેટ વિશે તેનામાં બહુ સારી સમજબૂઝ છે. તે ટૅલન્ટેડ છે અને તેનું વ્યક્તિત્વ પણ ઘણું સારું છે. કૅપ્ટન માટે આ બધુ બહુ જરૂરી હોય જે તેનામાં છે.

જૉસ બટલર (ગુજરાત ટાઇટન્સનો ખેલાડી): શુભમન ગિલમાં મને રોહિત શર્મા અને વિરાટ કોહલીની કૅપ્ટન્સીનું સંયોજન જોવા મળ્યું છે. તે (ગિલ) શાંત પણ છે અને તેનામાં આક્રમકતા પણ છે. તે બહુ સમજદાર છે અને મેદાન પર પોતાના પર્ફોર્મન્સની બાબતમાં જાણે લડતો હોય એવો ભાવ તેના ચહેરા પર જોવા મળતો હોય છે.

આ પણ વાંચો…સાઉથ આફ્રિકાના ટેસ્ટ ચૅમ્પિયનોનું જોહનિસબર્ગમાં જોરદાર સ્વાગત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button