સચિનને મળશે બીસીસીઆઇનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર, 24 વર્ષની કરીઅરમાં ધૂમ મચાવી હતી…
મુંબઈઃ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકરને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા લાઇફટાઇમ અચિવમેન્ટ’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. શનિવારે બોર્ડના મુંબઈ ખાતેના વાર્ષિક સમારોહમાં લિટલ ચૅમ્પિયનને આ પ્રતિષ્ઠિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 51 વર્ષનો સચિન ભારત વતી 664 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો જેમાં તેણે વિક્રમજનક કુલ 100 સેન્ચુરી ફટકારી હતી. બોર્ડના સૂત્રોએ પીટીઆઇને જણાવ્યું હતું કેટેસ્ટમાં તેમ જ વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર સચિનને આ ભવ્ય સમારંભમાં `સી. કે. નાયુડુ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.
Also read : હૅટ-ટ્રિકમૅન શાર્દુલ, રહાણે, સિદ્ધેશે મુંબઈને પહેલા જ દિવસે મજબૂત પકડ અપાવી, જુઓ કેવી રીતે…
સચિને 200 ટેસ્ટમાં 15,921 રન અને 463 વન-ડેમાં 18,426 રન બનાવ્યા હતા જે વિશ્વવિક્રમ છે.
તેન્ડુલકર 24 વર્ષની શાનદાર કારકિર્દીમાં ફક્ત એક ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.
2023માં ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીને તથા મહાન વિકેટકીપર અને ઓપનિંગ બૅટર ફરોખ એન્જિનિયરને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
પોતાના યુગના ગ્રેટેસ્ટ બૅટર તરીકે જાણીતા સચિનની ગણના કોઈ પણ પરિસ્થિતિમાં સહજતાથી રનનો ઢગલો કરનાર ખેલાડી તરીકે થાય છે. તેણે નવેમ્બર 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામેની ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને બીજા જ મહિને તેણે વન-ડે કારકિર્દી પણ શરૂ કરી હતી.
સચિન 2011માં ભારતની વન-ડે વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો મેમ્બર હતો. એ તેનો છઠ્ઠો અને અંતિમ વર્લ્ડ કપ હતો.
સચિન તેના સર્વોત્તમ ફૉર્મમાં હતો ત્યારે વિશ્વના ભલભલા બોલર તેની સામે બોલિંગ કરતા ડરતા હતા. ઘણા દિગ્ગજ બોલર કહી ચૂક્યા છે કે તેમને આખી કરીઅરમાં સચિન સામે બોલિંગ કરવામાં ખૂબ પરેશાની થતી હતી.
Also read : વાત જરાય ખોટી નથી…પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને રણજી ટ્રોફી રમતા કરી દીધા!
સચિન આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર 31મો ખેલાડી છે. 1994માં ભારતના સૌપ્રથમ કૅપ્ટન સી. કે. નાયુડુની સ્મૃતિમાં આ પુરસ્કારની રચના કરવામાં આવી હતી. કર્નલ સી. કે. નાયુડુનો જન્મ ઑક્ટોબર 1895માં નાગપુરમાં થયો હતો અને 1967માં તેઓ 72 વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા. રાઇટ-હૅન્ડ બૅટર અને ઑફ-સ્પિનર સી. કે. નાયુડુની ટેસ્ટ ક્રિકેટ સહિતની પ્રથમ કક્ષાની કરીઅર 1916થી 1963 સુધી (47 વર્ષ સુધી) ચાલી હતી જે વિશ્વવિક્રમ છે. તેમણે ભારતીય ક્રિકેટમાં વહીવટકર્તા તરીકેની સેવા પણ આપી હતી.