1983માં કપિલને ટ્રોફી સાથે જોઈને હું પ્રોત્સાહિત થયો, હવે લૉર્ડ્સના જ પૅવિલિયનમાં મારું ચિત્ર મુકાયું એ મારા માટે મોટું ગૌરવઃ સચિન…

લંડનઃ અહીં ગુરુવારે લૉર્ડ્સ (LORD’S)માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટના આરંભ પહેલાં લૉર્ડસના જ એમસીસી મ્યૂઝિયમ (MCC MUSEUM)માં ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સચિને આ યાદગાર પ્રસંગે કહ્યું હતું કે 1983માં લૉર્ડસના સ્ટેડિયમમાં કપિલ દેવને 1983ના વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોઈને હું ક્રિકેટની સફર શરૂ કરવા માટે પ્રોત્સાહિત થયો હતો. હવે ઐતિહાસિક લૉર્ડ્સના જ પૅવિલિયનમાં મારું ચિત્ર મૂકવામાં આવ્યું એ મારા માટે બહુ મોટું ગૌરવ છે.’ આ સુંદર ચિત્ર સ્ટુઅર્ટ પીઅર્સન રાઇટ (STUART PEARSON WRIGHT) નામના ચિત્રકારે બનાવ્યું છે. તેમણે 18 વર્ષ પહેલાં મુંબઈમાં તેના (સચિનના) ઘરેથી મેળવેલા ફોટોગ્રાફ પરથી આ કલાકૃતિ તૈયાર કરી છે.
આ વર્ષના અંત સુધી સચિનનું આ ચિત્ર એમસીસી મ્યૂઝિયમમાં જાળવી રાખવામાં આવશે અને ત્યાર બાદ આ ચિત્ર પૅવિલિયનમાં કાયમ માટે રાખવામાં આવશે. સ્ટુઅર્ટ પીઅર્સને ઍબ્રેડેડ ઍલ્યુમિનિયમ પર ઑઇલ પૅઇન્ટિંગ કર્યું છે. ચિત્રમાં જે બૅકગ્રાઉન્ડ છે એ ક્રિકેટમાં સચિનની અવિરત સફર, અમર્યાદ યોગદાનનો સંકેત આપે છે. પીઅર્સન રાઇટે આ અગાઉ કપિલ દેવ, બિશનસિંહ બેદી અને દિલીપ વેન્ગસરકરના ચિત્ર બનાવ્યા હતા. જોકે અગાઉ કરતાં આ ચિત્ર ખૂબ મોટું છે. પીઅર્સને કહ્યું છે કે એમસીસીની ઇચ્છા હતી કે સચિનનું ચિત્ર અગાઉના ભારતીય ખેલાડીઓના ચિત્રો જેવા જ ફૉર્મેટમાં નહીં, પણ અલગ ફૉર્મેટમાં બને. એટલે મેં સચિનની પ્રતિભાને ધ્યાનમાં રાખીને તેનું મોટું ચિત્ર બનાવ્યું.’
યોગાનોયોગ ગુરુવાર, 10 જુલાઈએ મોહન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરનો 76મો જન્મદિન પણ હોવાથી ભારત માટે આ ઇવેન્ટ વધુ યાદગાર બની છે.સચિને ક્રિકેટના કાયદા ઘડતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના મ્યૂઝિયમમાં પોતાના ચિત્રના અનાવરણ પ્રસંગે એવું પણ કહ્યું હતું કે ` મારા માટે આ બહુ મોટું ગૌરવ છે. 1983માં ભારત લૉર્ડ્સમાં વર્લ્ડ કપ જીત્યું ત્યારે હું પહેલી વાર આ ઐતિહાસિક સ્થળને ઓળખતો થયો હતો.
અમારા કૅપ્ટન કપિલ દેવે ત્યારે વિશ્વ કપની ઐતિહાસિક ટ્રોફી ઊંચકી હતી અને એ સાથે જ મેં પણ ક્રિકેટર બનવાનો નિર્ધાર દૃઢ કર્યો હતો. હવે જ્યારે આ જ યાદગાર સ્થળે મારું ચિત્ર મૂકવામાં આવ્યું એ જોતાં મારી લાંબી અને અવિસ્મરણીય ક્રિકેટ-સફરને વધુ એક પહેચાન મળી છે, મને અનેરું ગૌરવ પ્રાપ્ત થયું છે. હવે હું મારી ક્રિકેટ કારકિર્દીને ફરી યાદ કરું છું તો મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. ખરેખર, આ અમૂલ્ય ક્ષણો છે.
Little Master at Lord's
— ICC (@ICC) July 10, 2025
Sachin Tendulkar rings the bell ahead of the third #ENGvIND Test #WTC27 pic.twitter.com/EsKiuTir11
ગુરુવારે લૉર્ડસમાં ત્રીજી ટેસ્ટના આરંભ પહેલાં ઐતિહાસિક બેલ વગાડવાનું ગૌરવ પણ સચિનને મળ્યું હતું. લૉર્ડ્સનું આ ઐતિહાસિક મ્યૂઝિયમ 1950માં ખૂલ્યું હતું. ત્રણ દાયકાથી એમાં લેજન્ડરી ક્રિકેટર્સના ચિત્રો તેમ જ અન્ય કલાકૃતિઓ મૂકવામાં આવે છે. ક્રિકેટની રમતમાં લૉર્ડ્સની લૉન્ગ રૂમ ગૅલેરી સૌથી જૂની છે અને એમાં 3,000 જેટલા ચિત્રો છે જેમાંના 300 જેટલા ચિત્રો ખ્યાતનામ ખેલાડીઓના છે.
આ પણ વાંચો : શુભમન ગિલ-સારા તેંડુલકર લંડનમાં સાથે, તસવીરો વાયરલ