સચિને મહિલાઓની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને કહ્યું, ` વર્લ્ડ કપની ટ્રોફી અંતિમ સિદ્ધિ નથી, તમારી લાંબી સફરની શરૂઆત છે’

મુંબઈઃ તાજેતરમાં બ્લાઇન્ડ મહિલા ક્રિકેટરો માટેનો સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડીઓને સચિન તેન્ડુલકર બુધવારે બાંદરા (પૂર્વ)ની એમઆઇજી (MIG) ક્રિકેટ ક્લબમાં મળ્યો હતો અને વિશ્વ કપ (World Cup)ની ટ્રોફીની અસાધારણ સિદ્ધિ બદલ તેમને ખૂબ બિરદાવી હતી તેમ જ પોતાના અનુભવ પરથી તેમને સલાહ-સૂચનો આપીને તેમને પ્રોત્સાહિત કરી હતી.

માસ્ટર બ્લાસ્ટર લગભગ એક કલાક તેમની વચ્ચે હતો, તેમની સાથે ખૂબ વાતો કરી હતી, તેમને ઑટોગ્રાફ આપ્યા હતા અને તેમની સાથે ફોટા પડાવ્યા હતા. સચિને દીપિકા ટી. સી.ના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રની ગંગા કદમની વાઇસ-કૅપ્ટન્સીમાં ઐતિહાસિક વર્લ્ડ કપ જીતનારી ભારતીય ખેલાડીઓની તનતોડ મહેનત, આત્મવિશ્વાસ, દૃઢતા અને સંકલ્પશક્તિ બદલ તેમની પ્રશંસા કરી હતી અને તેમને કહ્યું હતું કે ` તમે ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેવાની સાથે અનેક મુશ્કેલીઓનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો અને પોતાનું તથા દેશનું સપનું સાકાર કરી જ લીધું.’

સચિને આ મહિલા ખેલાડીઓના પરિવારની ભૂમિકાને પણ વખાણી હતી. સચિને (Sachin) ખેલાડીઓને કહ્યું, ` હંમેશાં સફળતા વધુ મોટી જવાબદારીઓ લઈને આવતી હોય છે. તમારા પ્રત્યેની જનતાની અને દેશની અપેક્ષા વધશે એટલે તમારે એ પરિપૂર્ણ કરવા વધુ મહેનત કરવી પડશે અને એકાગ્રતા વધારવી પડશે.’

લિટલ ચૅમ્પિયને તેમને વધુમાં કહ્યું, ` વર્લ્ડ કપની ટ્રોફી અંતિમ સિદ્ધિ ન કહેવાય. આ તો તમારી લાંબી સફરની હજી શરૂઆત છે. તમે જે કંઈ હાંસલ કર્યું અને હવે પછી કરશો એ અન્ય અનેક લોકો માટે પ્રેરક બની રહેશે.’



