One World One Family Cup: 11 વર્ષ બાદ સચિનને મેદાન પર જોઈ સારા ઈમોશનલ થઈ, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી

મુંબઈ: મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના 11 વર્ષ પછી, વન વર્લ્ડ વન ફેમિલી કપ નામની ટુર્નામેન્ટમાં ફરી મેદાન પર રમવા માટે ઉતર્યા હતા, આ ટુર્નામેન્ટમાં વિશ્વભરમાંથી ક્રિકેટના કેટલાક મહાન દિગ્ગજો સામેલ હતા. સચિનને ફરી મેદાન પર જોઈને ભારતીય ચાહકો ઈમોશનલ થઇ ગયા હતા. સાથે સચિનની દીકરી પુત્રી સારાએ પણ ભાવુક ક્ષણો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
સારા તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીઝ શેર કરી, મેચના ફોટા અને વિડિયો શેર કર્યા હતા. એક સ્ટોરીમાં સારાએ, “નોસ્ટાલ્જિયા” કેપ્શન લખીને ઇમોજી સાથે એક વિડિઓ શેર કર્યો છે. તેણે મુદ્દેનહલ્લીમાં સત્ય સાંઈ ગ્રામમાં રમાયેલી મેચની વધુ બે તસવીરો પણ તેણે પોસ્ટ કરી છે.
વન વર્લ્ડ વન ફેમિલી કપની આ ફ્રેન્ડલી મેચ સચિન તેંડુલકરની આગેવાની હેઠળની વન વર્લ્ડ ટીમે યુવરાજ સિંહની વન ફેમિલી ટીમને હરાવી હતી.

વન ફેમિલી ટીમે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવ્યા. ડેરેન મેડીએ અડધી સદી ફટકારી હતી, જ્યારે યુસુફ પઠાણ અને યુવરાજ સિંહે અનુક્રમે 38 અને 23 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. હરભજન સિંહે બે વિકેટ ઝડપી હતી જ્યારે સચિન તેંડુલકરે પણ એક વિકેટ ઝડપી હતી.
181 રનનો પીછો કરતા વન વર્લ્ડ ટીમ તરફથી અલ્વિરો પીટરસનને 50 બોલમાં 74 રન બનાવ્યા હતા, જેમાં ટીમ એક બોલ બાકી રાખીને લક્ષ્યનો હાંસલ કર્યો હતો. સચિન તેંડુલકરે તેની ટૂંકી 27 રનની ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગા સાથે તેના ટ્રેડમાર્ક શોટ્સથી બધાને ફરી મોહિત કરી દીધા હતા. મુથૈયા મુરલીધરને સચિનને વિકેટ લીધી હતી.