સ્ટ્રીટ ક્રિકેટના ઓપનિંગમાં સચિન, અક્ષય, રામ ચરણ અને સૂર્યાનો ‘નાટૂ નાટૂ’ પર ડાન્સ
થાણે: તાજેતરમાં જામનગરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને રામ ચરણે એકસાથે પર્ફોર્મ કર્યું હતું અને એ યાદગાર પર્ફોર્મન્સનો ક્રેઝ થાણેમાં શરૂ થઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઇએસપીએલ)ના ઓપનિંગ સમારોહમાં પણ જોવા મળ્યો. એમાં રામ ચરણે તેના કેટલાક સેલિબ્રિટી મિત્રો સાથે ‘આરઆરઆર’ના ગીત ‘નાટૂ નાટૂ’ પર ડાન્સ કર્યો હતો.
આને સ્ટ્રીટ ક્રિકેટ કહો કે ગલી ક્રિકેટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આઇએસપીએલના વીડિયોમાં ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર તેમ જ અક્ષય કુમાર, રામ ચરણ અને સૂર્યા ‘નાટૂ નાટૂ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.
આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. ‘નાટૂ નાટૂ’નો ચાર્મ અને ક્રેઝ લોકોમાં હજી પણ છે અને એટલે જ આયોજકોએ ઓપનિંગમાં આ ઑસ્કર અવૉર્ડ વિનિંગ સૉન્ગને પસંદ કર્યું હતું.
ભારતમાં સૌથી વધુ ક્રિકેટનો ક્રેઝ છે. આઇપીએલ બાવીસમી માર્ચે શરૂ થાય એ પહેલાં ટેનિસ બૉલની ટી-10 ટૂર્નામેન્ટ આઇએસપીએલનો થાણેમાં આરંભ થયો છે જેમાં સેલિબ્રિટીઝ તેમ જ કેટલાક ઇન્ટરનૅશનલ પ્લેયરો પણ જોવા મળશે. તમામ મૅચો થાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં રમાશે. 15મી માર્ચે ફાઇનલ રમાશે. આખી સ્પર્ધામાં કુલ 18 મૅચ રમાશે.