સાઉથ આફ્રિકાનો 233 રનથી વિજયઃ યેનસેનની ટેસ્ટમાં કુલ 11 વિકેટ…
ડરબનઃ સાઉથ આફ્રિકાએ અહીં શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે 233 રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી હતી. આખી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પેસ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યેનસેને કુલ 11 વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો.
આ પણ વાંચો : વરસાદ પડ્યો એમાં રોહિત અને ગિલને સૌથી વધુ નુકસાન, કેવી રીતે જાણો છો?
શ્રીલંકાને જીતવા 516 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો, પણ દિનેશ ચંદીમલના 83 રન અને કૅપ્ટન ધનંજય ડિસિલ્વાના 59 રન છતાં શ્રીલંકાની ટીમ ફક્ત 282 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
યેનસેને પ્રથમ દાવમાં માત્ર 13 રનમાં સાત અને બીજા દાવમાં 73 રનમાં ચાર વિકેટ લીધી હતી. કૅગિસો રબાડા તેમ જ જેરાલ્ડ કોએટઝી અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા આ સિરીઝ હારી નહીં શકે, જ્યારે શ્રીલંકાએ બીજી અને છેલ્લી ટેસ્ટ જીતીને શ્રેણી 1-1થી બરાબરીમાં લાવવા કોઈ કસર બાકી નહીં રાખે.
આ પણ વાંચો : શ્રીલંકાએ 516 રનના તોતિંગ લક્ષ્યાંક સામે આટલા રનમાં ગુમાવી દીધી પાંચ વિકેટ…
પ્રથમ દાવમાં સાઉથ આફ્રિકાના 191 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત 42 રનના પોતાના લોએસ્ટ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે 366 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો.