IND Vs SA: આ કેવી દુવિધામાં ફસાઈ ગયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને T-20 અને વન-ડે સિરીઝ પછી હવે ટીમ ઈન્ડિયા આવતીકાલથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે તૈયારી કરી રહી છે. પરંતુ એ પહેલાં જ ટીમ ઈન્ડિયાનો બે ખેલાડી કેપ્ટન રોહિત શર્મા માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…
સાઉથ આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝની પ્લેઈંગ-11માં ખેલાડીઓનું સિલેક્શન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે લોખંડના ચણા ચાવવા જેવું કામ સાબિત થવાનું છે. ઘૂંટણની ઈજાથી પીડાઈ રહેલાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીને બદલે ટીમમાં મુકેશ કુમાર કે પ્રસિદ્ધ કૃષ્ણા બેમાંથી કોની પસંદગી કરવી એ શર્મા માટે અઘરું બની રહ્યું છે.
સેન્ચ્યુરિનની પીચ ફાસ્ટ બોલર માટે એકદમ અનુકૂળ હશે એટલે દિવસના અડધા ભાગમાં રિવર્સ સ્વિંગ થવામાં મદદરૂપ સાબિત થાય છે. આવી પરિસ્થિતિમાં મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવશે એવી પૂરેપૂરી શક્યતા છે.
મુકેશ કુમારે અત્યાર સુધીમાં 40 પ્રથમ શ્રેણીમાં 151 વિકેટ લીધી છે. રણજી ટ્રોફી ક્રિકેટમાં પણ રિવર્સ સ્વિંગ માટે તે એકદમ પ્રસિદ્ધ છે. આ સિવાય છેલ્લી કેટલીક મેચમાં પણ તેણે કમાલની ગેમ દેખાડી છે, જેને કારણે આવતીકાલે રમાનારી મેચમાં તેને ચાન્સ મળે એવી શક્યતા વધુ છે.
આ સિવાય બીજો મુદ્દો છે વિકેટ કિપિંગનો. એક્સિડન્ટ બાદ ઋષભ પંત લાંબા સમયથી મેદાનથી દૂર છે. કેએસ. ભરત પણ ખાસ કંઈ તૈયાર નથી દેખાઈ રહ્યો. જ્યારે વર્લ્ડકપની મેચ શરૂ થઈ ત્યારથી ઈશાન કિશનને મેન્ટલ હેલ્થ માટે બ્રેક લીધો છે એટલે ટીમ ઈન્ડિયા પાસે કે. એલ. રાહુલ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રહ્યો.
આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન) શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.