SA VS IND 2nd ODI: ભારત સામે દક્ષિણ આફ્રિકાને જીતવા 212 રનનો લક્ષ્યાંક

સેન્ટ જ્યોર્જ ઓવલઃ અહીંના સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વન-ડે મેચમાં પણ આફ્રિકા ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. કે. એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના પ્લેયર પહેલાથી દબાણમાં રમ્યા હતા, તેથી પૂરી પચાસ ઓવર રમી શક્યા નહોતા. 46.2 ઓવરમાં 211 રને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી.
ટીમ ઈન્ડિયાવતીથી સાઈ સુદર્શને ડેબ્યૂ મેચ પછી સતત બીજી મેચમાં બીજી વખત હાફ સેન્ચુરી કરી હતી. 83 બોલમાં 62 રન કર્યા હતા, જેમાં એક સિક્સર સાથે સાત ચોગ્ગા માર્યા હતા. સુદર્શનની માફક સુકાની કેએલ રાહુલે પણ 64 બોલમાં 56 રન (સાત ચોગ્ગા) માર્યા હતા. પરંતુ એમના સિવાય અન્ય બેટર સાવ સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. આક્રમક બેટર રિંકુ સિંહ (14 બોલમાં 17 રનમાં બે ચોગ્ગા અને સિક્સર), અક્ષર પટેલ (23 બોલમાં સાત રન), અર્શદીપે અઢાર રન કર્યા હતા, જ્યારે અવેશ ખાને પણ છેલ્લી વિકેટમાં મહત્ત્વના નવ રન ઉમેર્યાં હતા.
દક્ષિણ આફ્રિકા વતીથી આક્રમક બોલિંગ નાન્દ્રા બર્ગરે (10 ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી) લીધી હતી, ત્યારબાદ કેશવ મહારાજ અને હેન્ડ્રિક્સે બબ્બે વિકેટ ઝડપી હતી. એના સિવાય વિલિયમ્સ અને સુકાની માર્કરામે એક-એક વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાવતીથી ઓપનિંગમાં ઋતુરાજ ગાયકવાડ નિષ્ફળ રહ્યો હતો, જેને બર્ગરે સાવ સસ્તામાં ચાર રને એલબીડબલ્યુ કર્યો હતો.
દરમિયાન ભારતે પહેલી ઓવરમાં ઋતુરાજની વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ 46 રને બીજી વિકેટ પડી હતી. 27મી ઓવરમાં સાઈ સુદર્શનની 114 રને પડી હતી. ચોથી વિકેટ 136 રને (સંજુ સેમસન), 167 રને પાંચમી, 169 રને છઠ્ઠી, 172 રને સાત વિકેટ, 186 રને આઠમી, 204 રને નવમી અને દસમી વિકેટ 211 રને પડી હતી. એક નો બોલ અને દસ વાઈડ સાથે આફ્રિકાએ 11 રન એક્સ્ટ્રા આપ્યા હતા. આ અગાઉ ભારત પહેલી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે આઠ વિકેટથી જીત્યું હતું.