વિજેતા સાઉથ આફ્રિકાની ટીમને જુઓ કયો બર્થ-ડે બૉય આવીને મળ્યો?

ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને આંચકો આપીને આઇસીસી વિશ્ર્વ કપના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો એના સેલિબ્રેશનમાં સાઉથ આફ્રિકાનો બોલિંગ-લેજન્ડ ડેલ સ્ટેન પણ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમ અને તેના સાથીઓ સાથે જોડાયો હતો.
ડેલ સ્ટેનનો ગુરુવાર, 27મી જૂને બર્થ-ડે હોવાથી તે અલગ જ આનંદિત મિજાજમાં હતો અને એમાં તેના દેશની ટીમે ફાઇનલમાં પહોંચવાનો નવો ઇતિહાસ સર્જ્યો એટલે તેની ખુશી બમણી થઈ ગઈ હતી. રીઝા હેન્ડ્રિક્સે માત્ર 57 રનના લક્ષ્યાંક મેળવવા જતાં નવમી ઓવરના પાંચમા બૉલમાં વિનિંગ ફોર ફટકારી એ સાથે સાઉથ આફ્રિકાના ખેલાડીઓ એકમેકને ભેટી પડ્યા હતા અને એમાં ડેલ સ્ટેન પણ જોડાયો હતો.
ડેલ સ્ટેન 41 વર્ષનો થયો છે. તે 2020માં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. આ નિવૃત્ત ફાસ્ટ બોલર આઇપીએલમાં બેન્ગલૂરુ, હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ અને ગુજરાત લાયન્સ વતી રમી ચૂક્યો છે.
આ પણ વાંચો : SA vs AFG Highlights: સાઉથ આફ્રિકા વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલમાં
ડેલ સ્ટેને 260-પ્લસ ઇન્ટરનૅશનલ મૅચમાં કુલ 700 જેટલી વિકેટ લીધી હતી. છેલ્લે તે 2020ની 21મી ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામેની ટી-20માં રમ્યો હતો.