
મુંબઈ: વાનખેડેમાં સોમવારે મુંબઈ ઇન્ડિયન્સે ખાસ કરીને રાજસ્થાન રૉયલ્સના મૅન ઑફ ધ મૅચ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ (4-0-22-3)ના શરૂઆતના તરખાટને કારણે હોમ-ગ્રાઉન્ડ પર હાર જોવી પડી હતી, પરંતુ બૅટિંગમાં રિયાન પરાગ (54 અણનમ, 39 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નો પર્ફોર્મન્સ ઊડીને આંખે વળગે એવો હતો. વિજેતા ટીમના સહાયક કોચ અને ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બૉન્ડે પરાગના ભરપૂર વખાણ કરીને તેને મુંબઈ ઇન્ડિયન્સના બૅટર અને ટી-20 ઇન્ટરનૅશનલના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ સાથે સરખાવ્યો હતો.
બૉલ્ટે મુંબઈના ટોચના ત્રણ બૅટરને તેમના પહેલા બૉલે (ગોલ્ડન ડકમાં) આઉટ કર્યા હતા. ત્રણેયે પોતપોતાના ઝીરો પર વિકેટ ગુમાવી હતી જેને પગલે અનોખો રેકૉર્ડ રચાયો હતો. મુંબઈએ 20 રનમાં પહેલી ચાર વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ આખી ટીમ 9 વિકેટે માત્ર 125 રન બનાવી શકી હતી. બૉલ્ટની જેમ ચહલે પણ ત્રણ વિકેટ તથા બર્ગરે બે વિકેટ લીધી હતી. રાજસ્થાને 15.3 ઓવરમાં ચાર વિકેટે 127 રન બનાવીને વિજય મેળવ્યો હતા.
શેન બૉન્ડે કહ્યું, ‘રિયાન પરાગમાં ગજબની ટૅલન્ટ છે. તેને બૅટિંગ કરતો જોઉં છું ત્યારે મને યંગ સૂર્યકુમાર યાદવ યાદ આવે છે. સૂર્યકુમાર થોડા વર્ષો પહેલાં મુંબઈમાં આવીને સેટલ થયો હતો અને કરીઅરના શરૂઆતના વર્ષોમાં તેનામાં જેવી ટૅલન્ટ જોવા મળતી હતી એવી મને અત્યારે પરાગમાં નજરે પડી રહી છે. સૂર્યકુમાર જેવી જ મૅચ્યૉરિટી પરાગમાં જોવા મળી રહી છે.’
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર શેન વૉટ્સને પણ મંગળવારે રિયાન પરાગના ખૂબ વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘પરાગ માત્ર બાવીસ વર્ષનો જ છે એ મેં ધાર્યું જ નહોતું. વિશ્ર્વના બેસ્ટ બોલર્સ સામે રમતી વખતે પરાગમાંથી બહુ સારી ટૅલન્ટ બહાર આવતી જોવા મળી રહી છે.’